Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે ભાઈબીજ:આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલુ-આપ્યું હતું ખાસ વરદાન..

  • October 29, 2019 

ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે ન જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની સુંદર જોડીનો. આજે ભાઈબીજ એટલેકે યમદ્રિતીયા, આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલુ. અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. અને બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. આ દિવસે બહેન ભાઈને પોતાની ઘેર જમવા બોલાવે છે. ભાઈ-ભાભી, બાળકો સૌ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યુ ખૂબ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા, મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈની મનગમતી રસોઈ બનાવીને ભાઈને એ અહેસાસ કરાવે છે કે આજે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલોજ પ્રેમ છે. અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટ મહત્વની નથી હોતી, મહત્વનું તો હોય છે એક ભાઈનું બહેનના ઘરે આગમન. બહેન તો પિયર અવાર-નવાર જતી જ હોય છે. પણ ભાઈનું પરીવાર સહિત જવું એવુ તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. અને આમ પણ લોકોની માન્યતા કે દીકરીના ઘરે વધુ ન જવાય, ન ખવાય વગેરેને કારણે પણ પિયરિયાઓ કારણ વગર જવાનું ટાળતા હોય છે. પરંતુ ધન્ય છે આપણી આ ધાર્મિક પરંપરાને જેને કારણે બહેન હકથી ભાઈને પોતાની ઘરે જમવા બોલાવી શકે છે. રક્ષાબંધનના દિવસે દરેક બહેનને ભાઈને ઘરે જવાનો અધિકાર મળે છે અને ભાઈબીજના દિવસે ભાઈને બહેનની ઘરે જવાનો. આ બંધનની વચ્ચે આ બે તહેવારો દરમિયાન કોઈ પણ વિધ્ન આવી શકતુ જ નથી. આપણી સંસ્કૃતિ પણ કેટલી સુંદર છે. ભાઈ-બહેનંનું સરખું જ મહત્વ, કોઈને અન્યાય નહી. આવા તહેવારોને કારણે જ તો ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application