તાપીમિત્ર ન્યુઝ,સુરત:હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ કમલેશ તિવારી હત્યાકાંડમાં એક નવો ખુલાસો થયો છે. અશ્ફાક અને અન્ય આરોપીઓએ કમલેશની સાથે હિન્દુ સમાજ પાર્ટીના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ ગૌરવ ગોસ્વામીની પણ હત્યા કરાવનું કાવતરુ રચ્યું હતું. સુરતથી લખનઉ જતા સમયે અશ્ફાક અને અન્ય આરોપીઓએ હિન્દુ સમાજ પાર્ટીના ઉતરપ્રદેશના અધ્યક્ષ ગૌરવ ગોસ્વામીને ફોન કરી કાર્યાલય પર આવવા માટે જીદ કરી હતી. જોકે, કામ વધુ હોવાના કારણે ગૌરવે મનાઈ ફરમાવી દીધી હતી. જેથી તેનો જીવ બચી ગયો હતો. ગૌરવે પણ આ ઘટનાની ખરાઈ કરી છે. હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા કરનાર અશ્ફાક હુસેન શેખે રોહિત સોલંકીના નામે નકલી દસ્તાવેજ બનાવી સોશિયલ મીડિયા દ્વારા કમલેશનો સંપર્ક કર્યો હતો. જય શ્રીરામના સૂત્રોચ્ચાર કરી કમલેશનો ભરોસો જીત્યો હતો. કમલેશ અને પક્ષના ગુજરાતના પ્રમુખ જૈમિન બાપુએ તેને સુરતમાં આઈટી સેલનો વડો બનાવ્યો હતો. હિંદુ સમાજ પાર્ટીના લેટર પેડમાં અશ્ફાકનો ફોટો પણ જોવા મળ્યો છે. આ ચોંકાવનારી હકીકતો બહાર આવતા અશ્ફાક કમલેશ તિવારીની પાર્ટીમાં હિંદુ બનીને કેવી રીતે જોડાયો તેના પર અનેક સવાલો ઊભા થયા છે. કમલેશ તિવારીની પાર્ટીના લેટરપેડમાં અશ્ફાકની જેણે નિમણુંક કરી છે તે લેટરમાં પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ જૈમીન દવેની પણ સહી છે. જૈમીનની પત્ની ચાંદનીએ જણાવ્યું હતું કે, જે દિવસે અશ્ફાક સુરતથી લખનઉ જવા નીકળ્યો ત્યારે ફોન કરી જૈમીનને કહ્યું હતું કે, તે કમલેશ તિવારીને મળવા જઈ રહ્યા છે. ૨૦ ઓક્ટોબરના રોજ થનાર અધિવેશનમાં ભાગ લઈ પરત ફરશે. આરોપી અશ્ફાકે ૫૦ હજાર રૂપિયા પાર્ટી ફંડમાં આપવાની લાલચ જૈમિન અને કમલેશ તિવારીને આપી હતી. આઈટી સેલનો લેટર મળવા પર અશ્ફાકે જૈમીનને બે હજાર રૂપિયા આપ્યા હતા. જોકે, જૈમીને ૫૦ હજાર રૂપિયા લેવાની મનાઈ ફરમાવી દીધી હતી. આશંકા છે કે , આરોપીઓ રૂપિયા પહોંચાડવાના બહાને જ હત્યા કરવાના હતા. જોકે, આ પ્લાન ફેઈલ જતા સુરતની મિઠાઈના નામે પહોંચી ગયા હતા. કમલેશ તિવારીની ૧૮ ઓક્ટોબરે લખનઉ ખાતે આવેલી હિન્દુ સમાજ પાર્ટી કાર્યાલયમાં હત્યા કરી દીધી હતી. ૧૯ ઓક્ટોબરના રોજ સુરતથી રશિદ પઠાણ, મોલાના મોહસિન શેખ અને ફૈઝાનને ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી. જ્યારે ઉત્તરપ્રદેશ એટીએસે હત્યા કેસમાં બિજનોરથી મોહમ્મદ મુફ્તી નઈમ કાઝમી અને ઈમામ મોલાના અનવારૂલ હકને ઝડપી પાડ્યા હતા. અન્ય એકને નાગપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે. નાગપુર એટીએસે સોમવારે ૨૯ વર્ષીય સૈયદ અસિમ અલીની ધરપકડ કરી છે. આ હત્યાકાંડના મુખ્ય આરોપી અશ્ફાક અને મોઈનુદીન ફરાર છે અને તેની શોધખોળ માટે ઉત્તરપ્રદેશ પોલીસે રૂ. ૨.૫ લાખના ઈનામની જાહેરાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application