તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:“કદમ અસ્થિર હો એને મંજીલ નથી મળતી,અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો”કહેવતને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની પિના ગામીતે ચરિતાર્થ કરી બતાવી છે. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ભણવાનું અધૂરૂં છોડી દેતી બહેનો માટે પ્રેરણારૂપ પિના ગામીતે કપરી પરિસ્થિતિમાં પણ ધૈર્ય ન ગુમાવતા મોટી સફળતા મેળવી છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામે ગરીબ પરિવારમાં જન્મેલી પિના ગામીતે ધો.૧૨ના અભ્યાસ બાદ આઇ.ટી.આઇમાં સ્ટેનો-કમ-કોમ્પ્યુટર ઓપરેટરનો કોર્ષ કર્યો હતો.નબળી આર્થિક પરિસ્થિતિને કારણે રેગ્યુલર કોલેજમાં અભ્યાસ કરી શકે એમ ન હતી.તેમને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી જેવું અભ્યાસનું સબળ પ્લેટફોર્મ પ્રાપ્ત થતાં બી.એસ.ડબ્લ્યુના કોર્ષમાં શાનદાર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવી આદિવાસી સમાજની સાથોસાથ તાપી જિલ્લાનું,તેમના ગામનું અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.અમદાવાદ ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં પિનાબેનને ગુજરાતના મહામહિમ રાજયપાલના હસ્તે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.ઘરની નબળી આર્થિક પિરસ્થિતિને કારણે અધવચ્ચે ભણતર છોડી દેનાર આદિવાસી સમાજની અનેક બહેનોએ પિનાબેનની જવલંત સિદ્ધિથી બોધપાઠ લેવાની જરૂર છે.ગરીબ ઘરની આ આદિવાસી દિકરીએ ઘરકામ,ખેતીકામ અને પશુપાલનના કામમાં માતા-પિતાને મદદરૂપ થવાની સાથેડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવી પોતાનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખી ગોલ્ડ મેડલ મેળવવા સુધીની સફર ખેડી છે.પિનાબેનની જવલંત સિદ્ધિ અંગે વાત કરતા તેમના પિતા રામજીભાઇ ગામીત જણાવે છે કે,ધો.૧૨ પાસ કર્યા બાદ તેમની દિકરીએ આઇ.ટી.આઇ માંથી સ્ટેનોનો કોર્ષ કર્યો હતો.તેણે આગળ અભ્યાસ કરવો હતો પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અમે તેને કોલેજમાં ભણાવી શકીએ એમ ન હતું.પરંતુ ઓપન યુનિવર્સીટીએ મારી દિકરી નુંભાગ્ય પલટી નાંખ્યું.અમે કોઇ દિવસ તેના ભણતર અંગે દબાણ કર્યું નથી.અમે હંમેશા તેને ગમતા વિષયો લઇ આગળ વધે એ માટે પ્રોત્સાહન આપ્યું છે.ગોલ્ડ મેડલ મેળવવા સુધીની તેમની સફરની વાત કરતા પિનાબેને જણાવ્યું હતું કે,આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી નિયમિત કોલેજમાં ન જઇ શકે એવા વિદ્યાર્થીઓ માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી આશિર્વાદરૂપ છે.અઠવાડિયામાં માત્ર બે જ દિવસ નિયત કેન્દ્રમાં જઇને અધ્યાપકોનું માર્ગદર્શન મેળવવાનું હોય છે.મારી આ સફળતામાં સહભાગી મારા માતા-પિતા,મારા માર્ગદર્શક અધ્યાપકોઅને વડીલોનો આભાર માન્યો હતો.ભવિષ્યના આયોજન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,હું મારો આગળ એમ.એસ.ડબ્લ્યુનો અભ્યાસ આ રીતે જ ચાલુ રાખવા માંગું છું.સાથો સાથ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરતી રહીશ એમ વધુમાં ઉમેર્યું હતું.કપરી પરિસ્થિતિમાં પણ ધૈર્ય ન ગુમાવી સફળતાના શિખરે બિરાજમાન થનાર પિનાબેન ગામીત સાચે જ સમાજ માટે પ્રેરણાસ્રોત સમી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application