સ્કુલવર્દીમાં ફરતા પ્રાઇવેટ પાર્સીંગના વાહનો પર ખાસ નજર રાખવામાં આવશે:આરટીઓ ઇન્સ્પેકટર-ડી.કે.ચાવડા
તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:બારડોલીમાં ટ્રાફિક નિયમનને લઇ હવે આરટીઓ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.બારડોલીમાં આજે આરટીઓ તંત્રના અધિકારીઓએ વિવિધ સ્કૂલોમાં ત્રાટકી સ્કૂલવાહનો અને કસૂરવાર વાહનચાલકોને મેમો-દંડ ફટકારી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી હતી એટલું જ નહી,આરટીઓ તંત્ર દ્વારા ગંભીર નિયમ ભંગના કિસ્સામાં સ્કૂલવાન કે વાહનો ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા.આરટીઓ તંત્રની આ તવાઇને પગલે શહેરની વિવિધ સ્કૂલોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.
બારડોલીમાં દોડતી સ્કૂલવાન કે સ્કૂલરિક્ષા પૈકી 75 ટકાથી વધુ વાહનો આરટીઓમાં સ્કૂલવાન તરીકે રજિસ્ટર થયાં નથી.આવાં રજિસ્ટર થયા વગરનાં અને કોઇપણ પ્રકારનાં નિયમોનું પાલન નહીં કરતાં વાહનો સામે આરટીઓએ આજે કડકાઈભર્યું વલણ અપનાવતાં કેટલીક સ્કૂલવાનને પણ ડિટેઈન કરવામાં આવી હતી.તા.11મી જુન નારોજ 6 જેટલી સ્કુલવાન તેમજ આજરોજ 8 સ્કુલવાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં બારડોલી વિસ્તારમાં આવેલ વસિષ્ઠ જેનેસીસ સ્કુલ,શિશુમંદિર,વામદોત હાઈસ્કુલ,બીએબીએસ સ્કુલ તેમજ કન્યા વિદ્યાલય-અસ્તાન ખાતે આરટીઓ દ્વારા ડ્રાઈવ,ડીટેન અને દંડનીય કાર્યવાહી કરાઇ હતી.સ્કૂલવાન પરમીટના ભંગ બદલ કેટલાક સ્કુલવાન ચાલકોને ટ્રાફિક નિયમનના ભંગ બદલ મેમો જારી કરાયા હતા.સ્કૂલવાન કોઇપણ નિયમોનું પાલન ન કરતાં હોવાનું બહાર આવતાં આરટીઓએ આજે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલ જતી રિક્ષા-વાનને ઊભી રાખીને ડોક્યુમેન્ટ ચકાસણી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતે ચેક કરીને દંડ વસૂલવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં ફફડાટ પેસી ગયો હતો.દરમ્યાન આ અંગે આરટીઓ ઇન્સ્પેકટર ડી.કે.ચાવડાએ જણાવ્યું હતું રજિસ્ટર્ડ થયા વગરની નિયમભંગ કરતી સ્કૂલવાન કે રીક્ષાચાલક સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.આજે પણ બારડોલીમાં આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલવાનનું ચેકિંગ હાથ ધરાયું હતું.મોટા ભાગનાં વાહનોમાં ફાયરસેફટીના સાધનો,મેડીકલ કીટ વિનાના તેમજ ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડાયા હોવાનું બહાર આવ્યું છે.આ તમામ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે એટલું જ નહીં,પરંતુ દર અઠવાડિયે આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે.આજે થયેલી ડ્રાઈવમાં આઠ સ્કુલવાન સામે કાર્યવાહી કરવામાં આવી છે.સ્કુલવાન ફીટીંગ કરવામાં આવતી સીએનજી ગેસ ટેન્ક દર ત્રણ વર્ષે રીન્યુલ કરવાનું ફરજિયાત છે.અનેક સ્કૂલવાન સીએનજી ગેસથી ચલાવવામાં આવે છે.વાનચાલકો ગેસના બાટલાની ઉપર જ બેંચ બનાવી બાળકોને તેની ઉપર બેસાડતાં હોય તેવી પણ ઘટનાઓ બને છે જે ખતરારૂપ જ નહીં દુર્ઘટના થવાની શકયતા વધારે છે.જે જીવતા બોમ્બ સમાન મનાય છે.સ્કૂલ વાન માટે આરટીઓએ કેટલાક નિયમો ફરજિયાત કર્યા છે,જે મુજબ સ્કૂલવાનમાં ૧ર વર્ષથી નીચેનાં બાળકોની સંખ્યા ૧ર અને તેથી વધુ વર્ષનાં હોય તેવા છ બાળકો બેસાડી શકાય,જ્યારે રિક્ષામાં ૧ર વર્ષથી નીચેનાં છ અને તેનાથી વધુ ઉંમરનાં ૩ બાળકો બેસાડી શકાય.વધુ આરટીઓએ જણાવ્યું હતું કે,સ્કુલવર્દીમાં ફરતા પ્રાઇવેટ પાર્સીંગના વાહનો પર ખાસ નજર રાખવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500