તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં અધિક જિલ્લા નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં ફાયર સેફ્ટીને અનુલક્ષીને બેઠક યોજાઇ હતી.બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જણાવ્યું હતું કે, સુરતના સરથાણા ખાતે ટયુશન કલાસમાં આગ લાગી હતી.તાપી જિલ્લામાં આવો કોઇ બનાવ ન બને એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલારૂપે જિલ્લાની તમામ શાળા,કોલેજો, મોલ મલ્ટીપ્લેક્સ,ખાનગી શાળાઓ,ટયુશન કલાસીસ સહિતની ભીડભાળવાળી જગ્યાઓએ તાત્કાલિક ચકાસણી કરી દરેક જગ્યાએ ફાયર સેફ્ટી અંગે જરૂરી તમામ વ્યવસ્થાઓ છે કે નહિં તેની પુરતી ચકાસણી કરી લેવા તાકીદ કરી હતી.તેમણે જે શાળા,કોલેજ,મલ્ટીપ્લેકસ, ખાનગી શાળાઓ,ટયુશન કલાસીસ,હોસ્પિટલસ તેમજ ભીડભાળવાળી જગ્યાઓ પર ફાયરસેફટી અંગે જરૂરી સુવિધાઓ ત્રણ દિવસની અંદર કરી લેવાની રહેશે.જો તેમ કરવામાં ચૂક થશે તો મિલ્કતો સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે તમામ સરકારી અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે,તમામ અધિકારીઓ તેમની સરકારી મિલ્કતોમાં અગ્નિશમન સાધનો અપડેડ હોવા અંગે ખાતરી કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું.વધુમાં તેમણે જિલ્લાની બે નગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું કે,બંને નગરપાલિકાઓમાં ટીમો બનાવી તમામ મિલ્કતોની ચકાસણી કરવામાં આવે તથા જયાં પણ આવા સાધનો ઉપલબ્ધ ન હોય ત્યાં તાત્કાલીક આવા સાધનો લગાવી દેવામાં આવે.વધુમાં તેમણે ગુજરાત વીજ કંપની લિમીટેડને પણ વીજ થાંભલાઓની ચકાસણી કરી નમી પડેલા વીજ થાંભલા,ઝુલતા તાર જોવા મળે ત્યાં તાત્કાલિક સમારકામ કરવામાં આવે.વધુમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારની જર્જરિત ઇમારતો ધ્યાનમાં આવે તો તાત્કાલિક તેવી ઇમારતોનું કોર્ડન કરી લેવી તથા જો શક્ય હોય તો આવી ઇમારતોને તાત્કાલિક દુર કરવી.વ્યારા પ્રાંત તુષારભાઇ જાનીએ જણાવ્યું હતું કે,શહેરી વિસ્તારોમાં મોટા મોલ્સ,શોપિંગ સેન્ટર્સ,રહેણાંકના મકાનો બનાવવા માટે મંજુરી આપવામાં આવે છે ત્યારે તેમાં તમામ શરતોને આધિન મંજુરી આપવામાં આવે છે.તેમ છતાં પણ આવી તમામ જગ્યાએ સરકારી ધારા ધોરણો મુજબ કામગીરી કરવામાં આવી છે કે કેમ એની ખાતરી કરી લેવા તાકીદ કરી હતી.બેઠક દરમિયાન શિક્ષણ વિભાગને તમામ સરકારી અને ખાનગી શાળાઓ,કોલેજો,ટયુશન કલાસીસ,અન્ય શૈક્ષણિક સંસ્થાઓ,આરોગ્ય વિભાગને તમામ સરકારી દવાખાનાઓ,ખાનગી દવાખાનાઓ,નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાની ટીમો દ્વારા તમામ મિલ્કતો,ગ્રામીણ વિભાગમાં તલાટીકમ મંત્રીઓ દ્વારા તમામ સરકારી તેમજ ખાનગી મિલ્કતોની ચકાસણી ફાયર સેફટીની પુરી સુવિધા ઉપલબ્ધ છે એની ખાતરી કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500