અમદાવાદ,વડોદરા:ખાનગી હોય કે સરકારી શાળાઓમાં બાળકો સાથેના જાતીય શોષણ કે પછી હિંસક ઘટનાઓના કિસ્સાઓ અનેકવાર સામે આવતાં હોય છે.ત્યારે છાત્રોની સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શાળામાં સીસીટીવી કેમેરા લગાવવાની દાદ માંગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ થઇ છે.જે રિટમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને તમામ શાળામાં સીસીટીવી લગાવવાની કાર્યવાહી કરવા અને એ સંદર્ભે સોગંદનામું કરીને જવાબ રજૂ કરવાનો મહત્ત્વનો આદેશ કર્યો છે.હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે ક્યાં સુધી સીસીટીવી લગાવાશે તે અંગે સરકારને સ્પષ્ટતા કરવા કહ્યું છે.આ કેસની વધુ સુનાવણી ૧૭મી જૂન રોજ રાખવામાં આવી છે.અરજદાર દીપક સોનીએ એડવોકેટ નિશિથ જોષી મારફતે આ સમગ્ર મામલે જાહેરહિતની અરજી કરી છે.જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યાં છે કે,ખાનગી, સરકારી કે ગ્રાન્ટ-ઇન શાળાઓમાં છાત્રો સાથે શારીરિક અડપલાં,જાતીય શોષણ અને ઘણીવાર હિંસાના બનાવો પણ બનતાં હોય છે.ત્યારે શાળા જેવી જગ્યાએ પણ બાળકની સલામતીનો મોટો મુદ્દો ઉપસ્થિત થાય છે.શાળાનું વાતાવરણ બાળક માટે એકદમ અનુકૂળ અને સ્વસ્થ હોવું જોઇએ.એટલું જ નહીં અનેક શાળા ખાસ કરીને સરકારી અને કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં શિક્ષકો આવે છે કે કેમ અને તેઓ આવે છે તો ભણાવે છે કે કેમ તે મામલે પણ વિવાદ રહે છે.ઘણીવાર બાળકોની હાજરી લેવામાં પણ કચાશ રાખવામાં આવે છે.ત્યારે આ બધી બાબતોનું મોનિટરિંગ કરવામાં આવે તો શિક્ષણનું સ્તર સુધરી શકે છે અને ઊંચું જઇ શકે છે.તેથી સીસીટીવી કેમેરા તમામ શાળાઓમાં ફરજિયાત લગાવવા જોઇએ.આ રિટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે,શાળાઓમાં બાળકો સાથે થતાં દુષ્કર્મ અને ખાસ કરીને વિકૃત માનસિકતાવાળા લોકોથી બાળકોનું જાતીય શોષણ બચાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવા આવશ્યક છે. વિદ્યાર્થીઓ સાથે થતા મારઝૂડના કિસ્સા પણ સીસીટીવીના કારણે નિયંત્રણ આવી શકે છે.શાળાઓમાં જતાં બાળકોનું રક્ષણ થવું આવશ્યક છે.રાજ્યમાં દરેક રસ્તાઓ હવે સીસીટીવીની વોચ હેઠળ આવી ગયાં છે.પોલીસ સ્ટેશનોમાં પણ સીસીટીવી લાગી ગયા છે.ત્યારે સરળ ટેકનોલોજીનો ઉપયોગ કરી શાળાઓમાં પણ સીસીટીવી લગાવી શકાય છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application