તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:લોકસભા સામાન્ય ચૂંટણીના ત્રીજા ચરણમાં યોજાયેલા મતદાન દરમિયાન સમગ્ર ગુજરાત સહિત ૨૩-બારડોલી સંસદીય બેઠકની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.બારડોલી બેઠક માટે આજે યોજાયેલા મતદાનમાં આ બેઠક ૬૯ ટકા મતદાન થયું હતું.સવારે મતદાન શરૂ થયું ત્યારથી લઇ સાંજે ૦૬:૦૦ વાગ્યે સુધી સમગ્ર ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.
૨૩-બારડોલી બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઇ નાગરભાઇ વસાવાએ સવારે ૦૭:૦૦ કલાકે સઠવાવ તા.માંડવી જિ.સુરત ખાતે તેમના ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ડૉ.તુષારભાઇ ચૌધરીએ સવારે ૦૯:૦૦ કલાકે દક્ષિણાપથ વિદ્યાલય,વ્યારા ખાતે તેમના ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું. વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વ નિમિત્તે બારડોલી સંસદીય મતવિભાગની ચૂંટણીમાં વયોવૃદ્ધ મતદાતાઓ,પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદાતાઓ તથા મહિલા અને પુરૂષ મતદારોએ કાળઝાળ ગરમીમાં પણ લોકશાહીના મહાત્યૌહારમાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું.આજે યોજાયેલા ૨૩-બારડોલી સંસદીય બેઠકના મતદાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ડૉ.તુષારભાઇ ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઇ નાગરજીભાઇ વસાવા સહિત અન્ય મળી કુલ-૧૨ ઉમેદવારોનું ભાવિ મતદાતાઓએ ઇવીએમ માં કેદ કર્યું છે.
૨૩-બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા મતવિભાગમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં થયેલા મતદાન પર એક નજર કરીએ તો ૧૫૬-માંગરોળ વિધાનસભામાં ૭૭૩૨૮ પુરૂષ અને ૭૧૯૮૮ મહિલાઓ મળી કુલ ૧,૪૯,૩૧૬,૧૫૭-માંડવી વિધાનસભા મતવિભાગમાં ૮૪૬૧૬ પુરૂષ અને ૮૦૮૮૬ મહિલા મળી કુલ ૧,૬૫,૪૮૨,૧૫૮-કામરેજ વિધાનસભા મતવિભાગમાં ૧,૫૭,૫૨૩ પુરૂષ અને ૧,૧૪,૨૨૫ મહિલા મળી કુલ ૨,૭૧,૭૪૮,૧૬૯-બારડોલી વિધાનસભા મતવિભાગમાં ૮૩૮૭૬ પુરૂષ અને ૭૫૫૨૭ મહિલા મળી ૧,૫૯,૪૦૩, ૧૭૦-મહુવા વિધાનસભા મતવિભાગમાં ૭૫૮૫૪ પુરૂષ અને ૭૪૬૧૨ મહિલા મળી ૧,૫૦,૪૬૬,૧૭૧-વ્યારા વિધાનસભા મતવિભાગમાં ૭૬૬૦૮ પુરૂષ અને ૭૬૯૦૮ મહિલા મળી ૧,૫૩,૫૪૬ અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિભાગમાં ૧,૦૪,૨૪૫ પુરૂષ અને ૧,૦૫,૮૦૭ મહિલા મળી ૨,૧૦,૦૫૨ મતદારોએ સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.૨૩-બારડોલી સંસદીય વિસ્તારની ચૂંટણીમાં સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ૬,૬૦,૦૫૦ પુરૂષ ૫,૯૯,૯૬૩ મહિલા મળી કુલ ૧૨,૬૦,૦૧૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.૨૩-બારડોલી સંસદીય બેઠકના ચૂંટણી અધિકારી અને કલેકટર આર.એસ.નિનામાએ જણાવ્યું હતું કે, બારડોલી સંસદીય બેઠકના સમગ્ર વિસ્તારમાં ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે.યુવાનો, મહિલાઓ,વયોવૃદ્ધ મતદારો તથા દિવ્યાંગ મતદારોએ પણ લોકશાહીને મજબુત કરવા તથા લોકશાહીના જતન અને સંવર્ધન તથા સમૃદ્ધ બનાવવામાં માટે વ્યાપક પ્રમાણમાં મતદાન કર્યું છે જે આવકારદાયક બાબત છે.ઉલ્લેખનીય છે કે,લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની ચૂંટણી સાત તબકકામાં યોજાઇ રહી છે ત્યારે આગામી તા.૧૯મી,મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન સંપન્ન થયા બાદ આગામી તા.૨૩મી,મેના રોજ મતગણતરી થયા બાદ જ ૨૩-બારડોલી સંસદીય બેઠક પર મતદાતાઓએ કયા ઉમેદવાર પર પોતાની પસંદગી ઉતારી છે એ સ્પષ્ટ થશે.
high light-આ બેઠકમાં સમાવિષ્ઠ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના મતદારોએ સવારથી જ ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ કર્યો હતો.સવારે ૦૯:૦૦ કલાક સુધીમાં ૧૦.૯૩ ટકા,સવારે ૦૭:૦૦ થી ૦૭:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન ૨૯.૯૮ ટકા,સવારે ૦૭:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમિયાન ૪૬.૨૧ ટકા,૦૭:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમિયાન ૫૮:૫૬ ટકા,૦૭:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમિયાન ૬૯.૦૦ ટકા જેટલું મતદાન થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500