વ્યારાના રાયકવાડમાં રહેતા બિલ્ડર નીશિષ શાહની હત્યા કરનાર ચાર હત્યારાઓ પૈકી 2 જણા અને મદદગારી કરનાર અન્ય 2 ઈસમોને તાપી પોલીસે પકડી લીધા બાદ શુકવારે આરોપીઓને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે 12 દીવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
વ્યારાના રાયકવાડમાં રહેતા બિલ્ડર નીશિષ શાહની ગત તા.14મી મે ની રાત્રીએ વૃંદાવાડી હનુમાનજીના મંદિર પાસે તરબૂચ વાળાની દુકાન આગળ ઉભા હતા તે સમય દરમિયાન એક કારમાં આવેલા 4 હત્યારાઓ મોપેડ ગાડીને ટક્કર મારી બિલ્ડરને રોડ ઉપર પાડી દીધો હતો. કારમાંથી ઉતરેલા ચાર ઈસમોએ તલવાર-ચપ્પુ લઈને બિલ્ડર પર ઉપરા છાપરી આશરે 12 થી 15 જીવલેણ ઘા મારી બિલ્ડરને જાહેરમાં રહેંસી નાંખ્યો હતો. બાદમાં કાર બારડોલીના મઢી-સુરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલ માંથી મળી આવી હતી.
વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા
તાપી પોલીસને ઘટના સ્થળેથી મળેલ કારનું તેટેલું બમ્પર જેના પર આરટીઓ રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ લાગી હતી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરાની મદદથી ચાર આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસની છ દિવસની તપાસમાં નિશિષ શાહ ઉપર જીવલેણ હુમલો કરનાર ચાર હત્યારાઓ પૈકી પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા અને નવીન ઉર્ફે રવી ચુડામણ નાઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુન્હામાં મદદગારી કરનાર સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી (કરમટીયા) અને પરિમલભાઈ જસવંતભાઈ સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
હત્યારાઓના 12 દિવસના રિમાન્ડ મંજુર
ત્યારે નિશિષ શાહની હત્યા શા માટે કરવામાં આવી ?? હત્યા કરવા માટે ઉપયોગ કરવામાં આવેલ સાધનો,તલવાર,ચપ્પુ, મુદ્દામાલ અને અન્ય આરોપીઓની સંડોવણીની તપાસ કરવા માટે પકડાયેલ ચારેય આરોપીઓને શુક્રવારે વ્યારા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે 12 દીવસના રિમાન્ડ મંજુર કરતા તાપી પોલીસે આગળની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
નિશિષ શાહના ટાંટીયા તોડવા માટે નવીન ભવરલાલ ખટીકે આરોપીઓને 80 હજારની સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે નવીન ખટીકે જ સોપારી આપી હતી કે પછી અન્ય કોઈ ઈસમોએ તે એક તપાસનો વિષય બન્યો છે. ગુન્હામાં સામીલ અન્ય આરોપીઓ મન્નું માલિયા ઓરિસ્સાવાલા તથા દેવા મરાઠી તેમજ સોપારી આપનાર નવીન ખટીક હાલ પોલીસ પકડથી દુર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500