તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તા.૩જી,માર્ચના રોજ સવારે ૦૮:૩૦ કલાકે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસદા ગામે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા વન અધિકાર પત્રોનો વિતરણ સમારોહ યોજાશે.આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સહિત રાજયના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ,આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા,પાણી પુરવઠો,પશુપાલન અને ગ્રામગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર,રાજયકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલ, રાજયકક્ષાના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણભાઇ પાટકર, ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવા ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય મહાનુભાવો રૂા. ૯૧૧.૮૪ કરોડની સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુન્ડા તાલુકાની ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ,રૂા.૧૯૯૯.૪૯ લાખનો વ્યારા-ખેરવાડા રોડ, ૧૫૦૦ લાખનો કરોડ-મોહિની-ટાવલી રોડ,રૂા.૧૩૦૦ લાખનો વેલ્ધા-કવીઠા-કુકરમુન્ડા રોડ, રૂા.૧૧૩૦ લાખનો સોનગઢ-વાઘનેરા-બોરીસાવર રોડ,રૂા.૧૧૦૦ લાખનો ધામણદેવી-સરાકેવડી રોડ,રૂા.૯૫૦ લાખનો મીંઢોળા નદી પરનો બ્રિજ એક્રોસ અને રૂા. ૭૫૦ લાખનો છીપણ ખાડી પરનો મેજર બ્રિજ એક્રોસનું ભૂમિપૂજન કરવામાં આવશે.જયારે રૂા. ૨૭૯૩.૯૪ લાખના ખર્ચે નવનિર્મિત ડૉલવણ, કુકરમુન્ડા અને ઉચ્છલ તાલુકાના તાલુકા સેવાસદનો,સુરત જિલ્લાના માંડવી,માંગરોળ અને ઉંમરપાડા તાલુકાના ગામોને આવરી લેતી રૂા.૨૫૬.૧૫ કરોડની કાકરાપાર જૂથ પાણી પુરવઠા યોજના અને સોનગઢ ખાતે સોનગઢ નગરપાલિકા દ્વારા રૂા.૧૨૫ લાખના ખર્ચે બનેલ ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવશે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકાના ગામોને સિંચાઇની સગવડ મળી રહે એ માટેની રૂા. ૭૧૯.૬૬ કરોડની તાપી-કરજણ લિંક યોજનાની ઘોષણા કરવામાં આવશે.આ ઉપરાંત જે.કે પેપર લિમીટેડ દ્વારા રૂા.૧૬૦૦ કરોડના ખર્ચે કરવામાં આવનાર પ્લાન્ટના આધુનિકરણ અને વિસ્તરણના કામનો શિલાન્યાસ કરવામાં આવશે.મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત થઇ ગયું છે. જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ કાર્યક્રમના સ્થળની મુલાકાત લઇ તૈયારીઓની સમીક્ષા કરી સ્થળ પર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની બેઠક યોજી હતી.જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરીએ પણ કાર્યક્રમને અનુલક્ષીને બંદોબસ્ત માટે તહેનાત પોલીસ અધિકારી/કર્મચારીઓની બેઠક યોજી હતી. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમનું રીહર્સલ કરી તમામ પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં સુરત,તાપી,નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500