તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૩જી,માર્ચના રોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં તાપી અને સુરત જિલ્લામાં સાકાર થયેલા અને નવા શરૂ થનારા કરોડો રૂપિયા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહને અનુલક્ષીને જિલ્લા કલેકટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા કલેકટર નિનામાએ જણાવ્યું હતું કે, આગામી તા.૩જી,માર્ચના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કરોડો રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.તાપી જિલ્લાના સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુન્ડા તાલુકાના ખેડૂતોને સિંચાઇની સગવડ મળી રહે એ માટે રૂા.૯૧૨ કરોડની સિંચાઇ યોજનાઓનું ખાતમુહૂર્ત કરાશે તેમજ અન્ય પ્રકલ્પોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.આ કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે બનાવવામાં આવેલી તમામ સમિતિઓને તેમને સોંપવામાં આવેલી કામગીરી સુપેરે અદા કરવા માટે તાકીદ કરી હતી.તેમણે કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગે વિગતે સમીક્ષા કરતાં તેમણે સ્ટેજ,સભામંડપ,ટ્રાન્સપોર્ટેશન, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, હેલીપેડ,સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી, પાર્કિંગની વ્યવસ્થા જેવા મુદ્દે વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ના લાભાર્થીઓને અધિકારપત્રો તથા પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ પણ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500