Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી કરોડોના વિવિધ પ્રકલ્પોની ભેટ ધરશે

  • February 26, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:આગામી તા.૩જી,માર્ચના રોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનારા કરોડો રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષીને રાજયના આદિજાતિ વિકાસ, વન,પ્રવાસન અને મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં સોનગઢ મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રી વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમના સૂચારૂ આયોજન બાબતે તમામ અધિકારીઓએ તેમને સોંપેલી કામગીરી પરસ્પર સંકલનમાં રહીને પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી.કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા તેમણે ટુંક સમયમાં સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ કરવાની હોય તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી તેની વિશેષ તકેદારી રાખવા તાકીદ કરી તેમણે સ્ટેજ,સભામંડપ,બેઠક વ્યવસ્થા,પાર્કિંગની વ્યવસ્થા,પીવાના પાણીની વ્યવસ્થા,સ્વાગત,સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે વિગતે સમીક્ષા કરી હતી.વધુમાં કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઠિત વિવિધ સમિતિઓની માહિતી મેળવી તમામ સમિતિઓ તેમને સોંપવામાં આવેલી કામગીરીને ચોકકસ સમયમર્યાદામાં પૂર્ણ કરે એવી અપેક્ષા વ્યકત કરી હતી.કલેકટરશ્રીઆર.એસ.નિનામાએ સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન દ્વારા માહિતી આપી હતી.તેમણે જિલ્લા તમામ અધિકારીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં પ્રજાલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય એ માટે પણ તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તાપી જિલ્લાના સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુન્ડા તાલુકાના ખેડૂતો માટેની રૂા.૯૫૦ કરોડની સિંચાઇ યોજનાઓનું ભૂમિપૂજન,રૂા. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી માંડવી-માંગરોળ-ઉંમરપાડા માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ,રૂા.૭૯૯૩.૯૪ લાખના માર્ગ અને મકાન વિભાગ હેઠળના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લાભાર્થીઓને વન અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application