તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ભાષા માનવ સમાજની સંસ્કૃતિ,પરંપરા તેમજ જીવનશૈલીનું ચાલક પરિબળ છે.ભાષા કે બોલી સાંસ્કૃતિક વિરાસતોની જનની છે.માટે જ ભાષા અને બોલીઓ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે વાહકનું કામ કરે છે એમ ગુજરાતના રાજયપાલ ઓ.પી કોહલીએ જણાવ્યું હતું.તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે તા.૨૧મી,ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિન અને આદિવાસી માતૃભાષા વર્ષ-૨૦૧૯ના ઉપલક્ષમાં ચૌધરી ભાષાના વ્યાકરણ ગ્રંથના વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજયપાલ કોહલીએ ભાષા અને બોલીઓના માનવ સંસ્કૃતિના વિકાસમાં યોગદાન અંગે સમજ આપી તેમણે ભારત દેશ અનેક ધર્મ,અનેક જાતિઓ, અનેક ભાષા અને બોલીઓ ધરાવતો વિવિધતાથી ભરેલો દેશ છે એમ જણાવી તેમણે વિવિધતામાં જ એકતા દેશની ઓળખ છે એમ ઉમેર્યું હતું.વધુમાં તેમણે જુદી જુદી જાતિઓ દ્વારા બોલવામાં આવતી ભાષાઓ જ દેશની સાંસ્કૃતિક વિરાસતને સુશોભિત કરે છે એમ જણાવી આદિવાસી સમાજની ભાષાઓ તેમની મૌખિક પરંપરાઓમાં રહેલી છે તેમજ આ મૌખિક ભાષાઓમાં આ સમુદાયની જીવન શૈલીના દર્શન થાય છે એમ ઉમેરી તેમણે લુપ્ત થઇ રહેલી આદિવાસી ભાષા અને બોલીઓ અંગે ચિંતા વ્યકત કરી હતી.વધુમાં તેમણે દેશના હિતમાં આદિવાસી સમાજની આ ભાષા અને બોલીઓનું જતન અને સંવર્ધન થાય એ માટે નક્કર પગલા લેવામાં આવે એ જરૂરી છે એમ જણાવ્યું હતું.વધુમાં તેમણે આદિવાસી સમાજની ભાષાઓ અને બોલીઓ માત્ર ભારતમાં જ નહિં પણ સમગ્ર વિશ્વ માંથી લુપ્ત થતી જાય છે એના માટે સંયુકત રાષ્ટ્ર સંઘ પણ ચિંતિત છે માટે જ સંયુકત રાષ્ટ્ર સંઘે ૨૦૧૯ના વર્ષને વિશ્વ આદિવાસી ભાષા વર્ષ જાહેર કર્યું છે.લુપ્ત થતી આદિવાસીઓની ભાષા અને બોલીઓનું જતન અને સંવર્ધન થાય એ માટે જાગૃતિ લાવવા માટે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એમ જણાવી તેમણે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ સમુદાયની પોતાની આગવી પરંપરાઓ અને સાંસ્કૃતિક વિરાસતને જાળવી આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે.આજે આદિવાસી સમુદાયના બાળકો જે રીતે સર્વાંગી વિકાસ સાધી રહ્યા છે એ અન્ય સમાજ માટે પ્રેરણારૂપ છે.તેમણે ચૌધરી ભાષાના વ્યાકરણ ગ્રંથના લેખક ફાધર રેમન્ડ ચૌહાણના લેખનકાર્યની સરાહના કરી હતી. લેખક દ્વારા લિખિત પુસ્તકો અંગે ખ્યાલ આપતા તેમણે જણાવ્યું હતું કે,રેમન્ડ ચૌહાણે ગામીત, ડાંગી અને વસાવી ભાષાના વ્યાકરણ ગ્રંથોની પણ રચના કરી છે.આ ઉપરાંત તેમનું પુસ્તક ગામીત સમાજની દંતકથાનું સાહિત્ય અકાદમી, ભારત દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે તથા આ પુસ્તક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં એમ.એના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે એમ જણાવ્યું હતું.તેમણે ઉપસ્થિત સૌને આદિવાસી સમાજની ભાષા અને બોલીઓને ટકાવી રાખવા માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન ચૌધરી ભાષાના વ્યાકરણ ગ્રંથના રચયિતા ફાધર રેમન્ડ ચૌહાણે જણાવ્યું હતું કે,આદિવાસી ભાષાઓનું અસ્તિત્વ જોખમાશે તો આદિવાસી સમાજનું પણ અસ્તિત્વ જોખમાશે એમ જણાવી સાથે મળીને રહેવું,સાથે મળીને જમવું,સાથે મળીને ઉત્સવ ઉજવવાઅને સાથે મળીને જીવવું એ આદિવસી સમાજની જીવન જીવવાની રીત છે એમ ઉમેરી તેમણે સંસ્કૃતિની બધી વાત ભાષા દ્વારા વ્યકત થાય છે માટે આપણી ભાષાને લખવી પડશે કારણ કે લખેલું કદી ભુલાતું નથી એમ કહી તેમણે આદિવાસી સમાજની ભાષાને જીવતી રાખવી સૌની ફરજ છે એમ જણાવ્યું હતું.આદિવાસી સાહિત્ય અકાદમી, ગુજરાતના કાર્યકારી પ્રમુખ જીતેન્દ્રભાઇ વસાવાએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનો આશય સ્પષ્ટ કરી વિશ્વમાં લુપ્ત થઇ રહેલીઓ ભાષા અને આદિવાસી ભાષાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાષા લુપ્ત થવાથી હજારો વર્ષથી પૂર્વજોએ બનાવેલ પરંપરાઓ પણ લુપ્ત થઇ જાય છે, આદિવાસી ભાષાઓ અને બોલીઓ લુપ્ત થવાથી આદિવાસીઓનું જીવનદર્શન પણ ભુલાઇ જશે એમ જણાવી બોડો અને સંથાલી જેવી આદિવાસી ભાષાઓને બંધારણની આઠમી અનુસૂચિમાં સ્થાન મળ્યું છે જે વર્ગની બાબત છે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી એકતા પરિષદના અશોકભાઇ ચૌધરીએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી તેમના વિચારો રજૂ કર્યા હતા.કાર્યક્રમનો પ્રારંભ દિપપ્રાગટ્ય અને આદિવાસી સમુદાયની જીવનશૈલી સાથે વણાઇ ગયેલી પ્રકૃતિની પૂજા કરીને કરવામાં આવ્યો હતો.કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા ડૉ. સુરેશભાઇ ચૌધરીએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઉત્પલભાઇ ચૌધરીએ અને આભારવિધિ ડૉ. રિતેશભાઇ ચૌધરીએ આટોપી હતી.કાર્યક્રમમાં માજી મંત્રી તુષારભાઇ ચૌધરી, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારીજે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, આદિવાસી સાહિત્ય અકાદમીના રેવાબેન ચૌધરી, ગામીત સમાજના બળવંતભાઇ ગામીત, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, વ્યારા કોલેજના આચાર્ય ડૉ. ખરવાસિયા, સોનગઢ કોલેજના આચાર્ય ડૉ. રાજેશભાઇ પટેલ,પ્રાધ્યાપકો, શિક્ષકો, સમાજના અગ્રણીઓ, શાળાના બાળકોઅને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. high light-લુપ્ત થતી ભાષાઓ/બોલીઓ ટકાવી રાખવા માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઠોસ કદમ ઉઠાવવા પડશે રાજયપાલ: ઓ.પી કોહલી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application