અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની પુષ્ટિ કરી છે. છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં ફસાયેલા બંને અંતરિક્ષયાત્રીઓ અમેરિકાના ફ્લોરિડાના સમુદ્ર કિનારે ઉતરશે. બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન યાનમાં પાછા લાવવામાં આવશે. છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બંને અંતરિક્ષયાત્રીઓને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.
નાસાએ બંનેની વાપસીને લઈને મોટી અપડેટ આપી છે. બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે જૂનમાં તેમના મિશન પર અંતરિક્ષમાં ગયા હતા. તેના સ્ટારલાઇનર યાનને નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં બંને નવ મહિનાથી વધુ સમયથી ISS પર ફસાયેલા હતા. હવે તેમને પાછા લાવવા માટે SpaceX ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બંને અંતરિક્ષયાત્રીઓ અન્ય બે મુસાફરો સાથે મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરશે.
નાસાના અંતરિક્ષયાત્રી નિક હેગ અને રોસકોસમોસ અંતરિક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ ડ્રેગન કેપ્સ્યુલમાં પરત ફરશે. નાસાએ જણાવ્યું છે કે, અંતરિક્ષયાત્રીઓ પાછા લાવતું આ યાન મંગળવારે સાંજે લગભગ 5:57 વાગ્યે (ભારતમાં 19 માર્ચ, બુધવારના રોજ વહેલી સવારે 3:27 વાગ્યે) ફ્લોરિડાના દરિયા કિનારે પહોંચશે. નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે સ્પેસએક્સ ISSથી ક્રૂ-9ના પૃથ્વી પર પાછા ફરવાનું જીવંત પ્રસારણ કરશે. પ્રસારણ સોમવારે રાત્રે 10:45 વાગ્યે શરુ થશે. ભારતમાં 18 માર્ચ સવારે 8:30 વાગ્યાથી જોવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500