ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિનાં અઘ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેની ઉપસ્થિતીમાં એન.પી.સી.આઇ.એલ કાકરાપારના વિવિધ મુદ્દાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષસ્થાનેથી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ કાકરાપારના ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે, કાકરાપારના વિસ્થાપિતોને એન.પી.સી.આઇ.એલમા રોજગારી આપવામાં પ્રાધાન્યતા આપવાની સાથે અગાઉની જાહેરાતને રદ કરી નવી ભરતી જાહેરાત આપવામાં આવે. ઉપરાંત સ્થાનિક નાગરિકોને આ ભર્તી માટે યોગ્ય તાલીમ આપી તેઓના કૌશલ્યમાં વધારો કરવામાં આવે તદઉપરાંત એન.પી.સી.આઇ.એલ માટેની પરીક્ષાઓ સુરત કે અન્ય જિલ્લામાં નહીં પરંતું તાપી જિલ્લાના વિવિધ સેન્ટરો ખાતે જ યોજવામાં આવે એમ તાકીદ કરી હતી.
તેમણે એન.પી.સી.આઇ.એલના ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ અંગે વિગતવાર રીપોર્ટ આપવા, સી.એસ.આર ફંડ હેઠળ નવા પ્રોજેક્ટ અંગે જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત ગ્રામજનો માટે આવવા-જવાના રસ્તા અંગે તથા સ્થાનિક કોન્ટ્રાક્ટરોને GEM પોર્ટલમાં નોંધણી કરાવી રોજગાર-ધંધામાં મદદરૂપ બનવા તાલીમ આપવા અંગે જરૂરી સુચનાઓ આપી હતી. તેમણે એન.પી.સી.આઇ.એલનાં એચઆરને રોસ્ટર રજિસ્ટર નિભાવવા તથા જિલ્લાનો કોઇ પણ વ્યક્તિ પોતાના હકથી વંચિત ન રહે, કોઇનો હક ન છિનવાય એમ સંવેદનશીલતા સાથે કામ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેએ એન.પી.સી.આઇ.એલના ઉચ્ચ અધિકારીઓને ગુજરાત સરકારના વિવિધ જીઆર અંગે અવગત કરી તેઓને વિસ્થાપિતો પ્રત્યે એન.પી.સી.આઇ.એલની જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે સિમ્પથી નહીં પરંતુ એમ્પથી રાખી વિસ્થાપિતો માટે કામગીરી કરવા જણાવ્યું હતું. ઉપરાંત તેમણે કોઇ પણ મૂંઝવણમાં તાપી જિલ્લા તંત્ર આપની સાથે છે તથા આપણે સાથે મળી જિલ્લાના લોકો માટે કામ કરવાનું છે એમ સમજ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500