સોનગઢના આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેથી કામરેજ તાલુકાનાં બે ઈસમોને મારૂતિ વાનમાં દારૂની બોટલો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુના અંગેની પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મારૂતિ વાનમાં બે ઈસમો મહારાષ્ટ્ર રાજ્યનાં નવાપુર ખાતેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લઈ ઉચ્છલ તરફથી સોનગઢ તરફ આવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો સોનગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે છુટા છવાયા વોચમાં ઊભા હતા. તે દરમિયાન બાતમીવાળી મારૂતિ વાન નંબર GJ/06/DG/2170 આવતા તેને કોડન પૂર્વક રોકી રોડની સાઈડમાં ઉભી રખાવી હતી.
ત્યારબાદ વાહન ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સંજયભાઈ પૂનમભાઈ વસાવા (રહે.વિવેકનગર કોલોની, કઠોર ગામ, તા.કામરેજ, જિ.સુરત)ના હોવાનું જણાવ્યું હતું અને ચાલકની બાજુમાં નામ પૂછતા તેણે ગોવિંદભાઈ ગુણવંતભાઈ નાયક (રહે.અંત્રોલી ગામ, પાંજરાપોળ પાસે, તા.કામરેજ, જિ.સુરત)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બંને ઇસમોને સાથે રાખી વાનમાં જોતા મીણીયા કોથળામાં પૂઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો વગર પાસ પરમિટે મળી આવ્યો હતો જે ગણતરી કરતા તેમાંથી કુલ 48 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે વાન અને ઇંગ્લિશ દારૂની બોટલો તેમજ 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 64,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી પ્રકાશભાઈ વસાવાની ફરિયાદના આધારે ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500