એક વર્ષ પહેલાં કારખાનામાં કામ કરતી 13 વર્ષ ચાર માસની સગીરને લગ્નની લાલચ આપી દાહોદ લઈ જઈ બળાત્કાર ગુજારનાર બે પુત્રીઓનાં પિતાને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજએ દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદ, રૂપિયા 50 હજાર દંડ ન ભરે તો વધુ 3 માસની કેદની સજા ફટકારી છે. જોકે આરોપી દંડ ભરે તો તે રકમ ભોગ બનનારને વળતર પેટે ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.
બનાવની વિગત એવી છે કે, લિંબાયત વિસ્તારમાં રહેતી 13 વર્ષ અને ચાર માસની વય ધરાવતી પોતાની સાથે પ્લાસ્ટીક ભંગારનાં કારખાનામાં કામ કરતી સગીરાને બ પુત્રીઓનાં પિતા એવા મૂળ રાજસ્થાન પુષ્કરનાં વતની 31 વર્ષીય આરોપી દિનેશ પ્રજાપતિ (રહે.લીમડી, તા.ઝાલોદ, જિ.દાહોદ) ગત તા.15/3/21નાં રોજ લગ્નની લાલચ આપીને સુરત બસ સ્ટેશનથી બસમાં બેસાડી દાહોદ ભગાડી ગયો હતો.
જોકે આરોપીએ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં પોતાના મામાના ઘરે બાંસવાડા લઈ જઈને તા.2/4/21 સુધી ત્યાં રાખીને ઈચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બનાવ અંગે ભોગ બનનારની ફરિયાદી માતાએ તપાસ કરતાં કારખાનાનાં માલિકે જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીને આરોપી પોતાની સાથે લઈ ગયો હતો. જેથી ફરિયાદી માતાએ આરોપી દિનેશ પ્રજાપતિ વિરુધ્ધ પોતાની સગીર પુત્રીને લગ્નની લાલચે વાલીપણાની સંમતિ વિના અપહરણ કરી સગીર હોવાનું જાણવા છતાં બળાત્કાર ગુજારી પોક્સો એક્ટના ભંગ કરવા બદલ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આમ આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ પ્રજાપતિ વિરુધ્ધનાં કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેથી સરકાર પક્ષે એપીપી દિપેશ દવેએ આરોપી વિરુધ્ધનો કેસમાં 34 સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી દિનેશ પ્રજાપતિને IPC-363, 366નાં ગુનામાં દોષી ઠેરવી 3 વર્ષની સખત કેદ તથા પોક્સો એક્ટની કલમ 3(એ)4,5(એલ)6નાં ગુનામા 20 વર્ષની સખત કેદ, રૂપિયા 50 હજારનો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500