કાંકરિયા ગુણસવેલ રોડ પરથી ડાંગરની પૂળીની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને મહુવા પોલીસે ઝડપી પાડયો હતો. જોકે ચાલક ટેમ્પો મુકીને ભાગી ગયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વલસાડથી નવસારી, કાંકરીયા, ગુણસવેલ ગામ થઈ સુરત તરફ વિદેશી દારૂ ભરીને એક ટેમ્પો જનાર છે.
જે બાતમીને આધારે મહુવા પોલીસે કાંકરીયા ગુણસવેલ રોડ ઉપર હેમંતભાઈના ખેતર પાસે વોચ ગોઠવાઈ હતી. દરમિયાનમાં બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલક તેનો ટેમ્પો મુકીને ભાગી ગયો હતો. જે બાદ પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ડાંગરના પૂળાની આડમાં સંતાડાયેલી વિદેશી દારૂની ૧,૭૫૨ બોટલ જેની કિંમત રૂપિયા ૨,૫૧,૬૬૪/- મળી આવી હતી.
આ સાથે જ પોલીસે ટેમ્પો અને દારૂ મળી કુલ રૂપિયા ૪,૫૧,૬૬૪/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ તપાસમાં ટેમ્પોનો ચાલક શુભમ ઉર્ફે શંભુ તુલસી પટેલ હોવાનું અને વાહનમાં દારૂનો જથ્થો ભરી આપનાર સંજય નવીનભાઈ પટેલ (બન્ને રહે.કડવીબોર, રોહિણા ગામ, ઉદવાડા, જિ.વલસાડ) હોવાનું બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500