સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં સોસાયટીનાં પ્રમુખ અને ઉપપ્રમુખ પાસેથી કારખાના માટે ઇસમે વ્યાજે 6 લાખ રૂપિયા લીધાં હતાં. જોકે આ 6 લાખ રૂપિયા સામે યુવકે 3 લાખ રૂપિયાની ચુકવણી કરી દીધી છતાં વ્યાજખોર પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા યુવક પાસે 8.5 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી એટલું જ નહિ પરંતુ વ્યાજખોરો દ્વારા યુવક અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે પતિ-પત્નીએ બંને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ, સિંગણપોર ચાર રસ્તા તૃપ્તી સોસાયટીમાં રહેતા ચંદ્રીકાબેન રવજીભાઈ વાઘાણી (ઉ.વ.40) અગાઉ સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતા હતા.
તેમના પતિ રવજીભાઈએ કોરોના પહેલા એમ્બ્રોઈડરીનો ધંધો કરતા હતા. તે સમયે તેમને ધંધાના કામથી રૂપિયાની જરૂર હોવાથી રાધેશ્યામ સોસાયટીના પ્રમુખ જતિન મનજી લાખાણી અને ઉપપ્રમુખ ચિરાગ ઘનશ્યાન ગોટી પાસેથી 1.25 ટકા લેખે રૂપિયા 6 લાખ વ્યાજે લીધા હતા. જેમાંથી વ્યાજ સહિત રૂપિયા 3 લાખ જેટલી રકમ ટુકડે ટુકડે ચુકવી દીધી હતી. જોકે ત્યારબાદ કોરોના મહામારીના કારણે ધંધામાં નુકશાન સાથે ધંધો બંધ થઈ જતા તેઓ સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હતા. રવજીભાઈએ બંને વ્યાજખોરોને પોતે વ્યાજ ભરી શકે તેમ ન હોવાથી મકાન વેચી વ્યાજના રૂપિયા 6 લાખ ચુકવી આપવાની વાત કરતા બંનેએ રૂપિયા 8.50 લાખની ઉઘરાણી કરી મિલ્કત પોતાના નામે કરાવી આપવા માટે ધમકીઓ આપી હતી.
જયારે ગત તા.17મી ફેબ્રુઆરીના રોજ બંને વ્યાજખોરોએ રવજીભાઈને તેમની રાધેશ્યામ સોસાયટીના કોમન પ્લોટમાં બોલાવ્યા હતા. જ્યાં અન્ય સાતેક જણા પણ હાજર હતા. વ્યાજખોરોએ મીટીંગમાં રવજીભાઈને જો પૈસા નહી આપે તો તેમને અને તેમના પરિવારના સભ્યોને મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે ચંદ્રીકાબેને બંને વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોરો સામે મની લોન્ડરીંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500