દહેગામ પાસે વાસણા રાઠોડ ગામે ખેતરમાં ઘાસ નાંખતા હતા તે સમયે એક યુવકનું માથું વીજ તારને અડી જતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, નિકોલ ખાતે રહેતા અને છેલ્લા 10 વર્ષથી દહેગામ તાલુકાનાં વાસણા રાઠોડ ગામની સીમમાં છેલ્લા 10 વર્ષથી ભેંસોનો તબેલો તેમજ ખેતીની જમીન ધરાવતા ભગવાનભાઈ ઉર્ફે લાલભાઈ મોહનભાઈ ભોઈ (ઉ.વ.30) દરરોજ નિકોલથી આવી ખેતીનું કાર્ય સંભાળતા હતા અને તેઓ ખેતરમાં પહોંચી તબેલા વગેરેના કાર્યનું નિરીક્ષણ કર્યા બાદ તેઓના ખેતરમાં કપાઈ રહેલી લીલી મકાઈ ટ્રેક્ટરમાં ભરાઈ રહી હતી તે જોવા પહોંચ્યા હતા.
ત્યારે મદદરૂપ થવાના આશયથી ભગવાનભાઈ પોતે ટ્રેક્ટર પર ચડયા હતા અને નીચેથી મજૂરોએ આપેલા મકાઈના પૂળાને ટ્રેક્ટરમાં ગોઠવી રહ્યા હતા. તે સમયે ઉપરથી પસાર થતી વીજ લાઈનનાં તારને તેમનું માથું અડકી જતા અચાનક ધડાકાભેર વીજ પ્રવાહ તેમના શરીરમાંથી વહી જતા કરંટના જોરદાર ઝટકાને પરિણામે લાલભાઈ નીચે પટકાયા હતા તો નીચે રહેલ એક મજૂરને પણ સામાન્ય આંચકો લાગ્યો હતો. વીજ પ્રવાહ એટલો તીવ્ર હતો કે લાલાભાઇ નીચે પટકાયા બાદ મૂછત થઈ ગયા હતા.
બનાવના પગલે ગભરાયેલા મજૂરોએ બૂમાબૂમ કરતા તબેલાના માણસો તેમજ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા પાયલોટ જગતસિંહ સોલંકી તેમજ ઇએમટી કાળુ સિંહ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે ઘસી ગયા હતા અને લાલભાઈને દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500