ગાંધીનગરનાં દહેગામમાં શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે ચાર હજારની લાંચ લેતા મ્યુનિસિપલ એન્જિનિયરને ગાંધીનગર એ.સી.બી.ની ટીમે ઝડપી લીધો હતો. જેની સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાનાં દહેગામ ખાતે શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય મંજૂર કરવા માટે મ્યુનિસિપલ એન્જિનિયર દ્વારા ચાર હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે, અરજદારનાં પત્નિનાં નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં મકાન બનાવવા માટે સરકાર તરફથી 3.50 લાખ રૂપિયાની સહાય મળતી હોવાથી યોજનાનો લાભ મેળવવા આશરે ત્રણેક વર્ષ અગાઉ ફોર્મ ભર્યું હતું.
જે ફોર્મ ભર્યા બાદ ખાતામાં હપ્તે હપ્તે રૂપિયા 2,30,000/- જમા થયા હતા અને રૂપિયા 1,20,000/- જમા થવાના બાકી હતા. જે બાકી રકમ મેળવવા અરજદારે દહેગામ નગરપાલિકામાં બેસતા મ્યુનિસિપલ એન્જિનિયર હિરેન રાજેશભાઇ પટેલ (રહે.4, જયભોલે સોસાયટી, રૂક્ષમણી હોસ્પિટલ સામે, ખોખરા, અમદાવાદ)નો સંપર્ક કરતાં હિરેનભાઇએ આ બાકીના રૂપિયા 1,20,000/-નો હપ્તો ખાતામાં જમા કરાવવા રૂપિયા 4000/-ની લાંચની માંગણી કરી હતી. જેથી આ મામલે ગાંધીનગર એ.સી.બી.માં ફરિયાદ થતાં છટકું ગોઠવીને હિરેન પટેલને ચાર હજાર રૂપિયાની લાંચ લેતા એ.સી.બી. દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જેની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500