દેવભૂમિ ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના કપાટ વિધિ-વિધાન સાથે શુક્રવારે સવારે સાત વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ત્યાં હાજર હતાં. પૂજારીઓના વૈદિક મંત્રોચ્ચાર અને શ્રદ્ધાળુઓના જયકારા વચ્ચે કપાટ ખોલવામાં આવ્યા છે. આ પહેલાં ગુરૂવારે બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી કેદારનાથ ધામ પહોંચી હતી. બાબાના દર્શન માટે આશરે 15 હજારથી વધારે શ્રદ્ધાળુઓ પહેલાં જ પહોંચી ગયા હતાં અને જેવું જ ગુરૂવારે સવારે કપાટ ખુલ્યા તો આખું ધામ ‘હર-હર મહાદેવ’ અને ‘બમ-બમ ભોલે’ના જયકારા સાથે ગૂંજી ઉઠ્યું.
આ અવસર પર બાબા કેદારના મંદિરને 108 ક્વિંટલ ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. આ પહેલાં ગુરૂવારે પ્રદેશના ડીજીપી દીપમ શેઠ અને અધિક પોલીસ મહાનિર્દેશક વી.મુરૂગેશને બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં જઈને સુરક્ષા વ્યવસ્થા અને અન્ય તૈયારીઓનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતુ. આ વખતે કેદારનાથ યાત્રામાં ભીડ નિયંત્રણ માટે ટોકન વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે, જે પહેલાં દિવસથી જ પ્રભાવી થશે. ડીજીપીએ ટોકન કાઉન્ટરની સંખ્યા વધારવા, પીએ સિસ્ટમથી યાત્રાની જાણકારી આપવા અને સ્ક્રીન પર સ્લૉટ તેમજ નંબર પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
તેમણે એટીએસ અને પેરા મિલિટ્રી ફોર્સની તૈનાતીને પણ સુવ્યવસ્થિત કરવાની વાત કહી હતી. નોંધનીય છે કે, કેદારનાથમાં શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કેદારનાથ મંદિર પરિસરના 30 મીટરના અંતરમાં મોબાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. રીલ અથવા ફોટોશૂટ કરતા પકડાયા તો મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવશે અને 5 હજાર સુધીનો દંડ આપવો પડી શકે છે. દર વર્ષે શિયાળામાં હિમવર્ષાના કારણે બાબા કેદારનાથના મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. જેવું જ ઉનાળાનું આગમન થાય કે, મંદિરના દ્વાર ફરી ખોલી દેવામાં આવે છે અને બાબા કેદાર ભક્તોને આશિર્વાદ આપે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500