વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિ.મી. સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે. આજથી એટેલે કે શનિવારથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. આ પ્રસંગે સંત સાંવરિયા મહારાજ, સાધુસંતો અને નર્મદા પરિક્રમામાં આવેલા ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ દ્વારા પુષ્પ અર્પણ અને દીપ પ્રાગટ્ય કરીને યાત્રાનો શુભારંભ કર્યો હતો. જ્યારે પરિક્રમાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. નર્મદામાં આજે શનિવારથી ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. પરિક્રમાને લઈને જિલ્લા વહીવટીતંત્રએ ટેન્ટ અને રેલિંગની વ્યસ્થા કરવામાં આવી છે.
જ્યારે પરિક્રમમાં કોઈ અનિચ્છિનિય ઘટના ન બને તે માટે પોલીસ અને તરવૈયાઓ નદી કિનારે સજ્જ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, 'પરિક્રમાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે. આકસ્મિત સ્થિતિને લઈને સ્પીડ બોટ્સ પણ તૈનાત છે.' ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે 3.82 કરોડ રૂપિયાના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલા છે. આ તમામ ઘાટ પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટોયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી.જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વોચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ ઉપરાંત પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટોયલેટ યુનિટ, ઈમર્જન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણપરિક્રમા જેટલું જ ધાર્મિક મહત્ત્વ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું છે. જે 18 કિ.મીની જ પરિક્રમા થાય છે. નર્મદા નદીની પરિક્રમા રામપુરા ગામના કિડી મકોડી ઘાટથી શરૂ થાય છે. ત્યારબાદ આગળ વધતા તિલકવાડા પાસે નદીના કિનારાની જગ્યાએથી નાવડીમાં બેસી નદી પાર કરી સામે કિનારે જઈ પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે. આ ઉપરાંત પરિક્રમાને ધ્યાનમાં રાખીને હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે જેટી તૈયાર કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500