નડિયાદ તાલુકાના કણજરી ગામની વિધવા પોતાની દિકરીઓને લઈને નાની બહેનને ત્યાં ગઈ હતી. ત્યારે તસ્કરોએ મકાનમાં પ્રવેશીને રોકડ, સોના-ચાંદીના દાગીના, પાઉન્ડ મળી રૂપિયા 1,96,000/-ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નડિયાદના કણજરી ગામે નવી પટેલવાડીની પાછળ પ્રિતીબેન ગ્રિમેશકુમાર પટેલ બે દિકરીઓ સાથે પોતાના મકાનમાં રહે છે. તેમના પતિ 6 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. પ્રીતિબેન પાળજ ગામે રહેતી પોતાની સગી નાની બહેનના ઘરે દિવાળી વેકેશન હોવાથી પોતાની બે દિકરીઓને લઈને પાલજ ગયા હતા.
આ દરમિયાન રાત્રિના સુમારે કોઈ અજાણ્યા તસ્કરો બંધ મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. મકાનમાં બેડરૂમમાં લોખંડના કબાટમાંથી તેમજ સ્ટોર રૂમની તિજોરીમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના, પાઉન્ડ મળી રૂપિયા 1,96,000/-ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે સવારે મકાન ખુલ્લું જોઈ પડોશમાં રહેતા કુટુંબીજનોએ આ બાબતે પ્રિતીબેનને જાણ કરતા તેઓ તુરંત પોતાના ઘરે દોડી આવ્યા હતા. ત્યારે ઘરમાં તમામ સરસામાન વેરણછેરણ પડેલો હતો. બનાવ અંગે પ્રિતીબેન પટેલે વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500