ઓડિશાના બાલાસોરમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ પર તાંત્રિક સાથે શારિરીક સંબંધ બાંધવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ પ્રમાણે બાલાસોર જિલ્લાના જલેશ્વર વિસ્તારમાં તેમના વૈવાહિક વિવાદો ઉકેલવાના બહાને તાંત્રિકે કથિત રીતે તેમના પર ૭૯ દિવસો સુધી રેપ કર્યો હતો. પીડિત મહિલાએ તાંત્રિક ઉપરાંત પતિ અને સાસરિયાં વિરુદ્ધ જલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે,વર્ષ ૨૦૧૭માં તેમના લગ્ન થયા હતા. લગ્નના છ મહિના બાદથી જ સાસરીયાઓએ તેમને ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. જ્યારે મહિલાએ આ વિશે તેમના પતિને વાત કરી તો તેમણે પણ મહિલા પર જ આરોપ લગાવ્યા હતા. થોડા દિવસો બાદ તેનો પતિ કામના સંબંધમાં બહાર ચાલ્યો ગયો હતો.
આ પછી મહિલાના સાસુ ગીતા રાની તેને તાંત્રિક પાસે લઈ ગઈ હતી. સાસુએ મહિલાને કહ્યું કે, તાંત્રિક તેનો પારિવારિક વિવાદ ખતમ કરી દેશે પરંતુ આ માટે તેણે થોડા દિવસ તાંત્રિક સાથે રહેવું પડશે. આરોપ છે કે, મહિલાના વિરોધ છતાં તેના સાસરિયાઓ તેમને ત્યાં જ છોડી આવ્યા હતા. તાંત્રિકની ઓળખ બાલાસોરના ભોગરાઈ બ્લોકના કખરા ગામના વતની એસકે તારફ તરીકે થઈ છે. તે મયુરભંજ જિલ્લાના બાંચદિહા ગામમાં રહે છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તાંત્રિકે તેની સાથે ૭૯ દિવસ સુધી રેપ કર્યો હતો. તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી.
૨૮ એપ્રિલે મહિલાને તાંત્રિકનો મોબાઈલ મળી આવ્યો હતો. ત્યારબાદ મહિલાએ પોતાના માતા પિતાને ફોન કરીને સમગ્ર મામલાની જાણકારી આપી હતી. ત્યારબાદ તેમના માતા-પિતાએ પોલીસને ફોન કર્યો હતો. સૂચના મળતા જ પોલીસ પહોંચી અને મહિલાને તાંત્રિકના કબજામાંથી મુક્ત કરાવી હતી. આ મામલે મહિલાએ પોતાના પતિ નીલમણી જેના, સસરા પૂર્ણચંદ્ર, સાસુ ગીતા રાની અને સૂર્યમણિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બાલાસોરના એસપી સુધાંશુ મિશ્રાએ કહ્યું કે,જલેશ્વર પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500