ભિવંડીનાં વલપાડા વિસ્તારમાં બપોરે ત્રણ માળની એક ઇમારત તૂટી પડી હતી. આ ઘટનામાં બે જણનાં મોત થયા હતા, જ્યારે 12 જણાને ફાયર બ્રિગેડ એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે કાટમાળ હેઠળથી બહાર કાઢયા હતા. આ બાબતે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હોઇ હજી 20થી 22 જણ કાટમાળ હેઠળ ફસાયા હોવાની શક્યતા વર્તાવવામાં આવે છે. આ સંદર્ભે રિજનલ ડિઝાસ્ટર સેલ પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર ભિવંડીના વળપાડા-દાપોડા માર્ગ પર વર્ધમાન કમ્પાઉન્ડમાં આવેલ એમ.આર.કે. ફૂડસ નામની ત્રણ માળની ઇમારત બપોરે 1 વાગ્યે અચાનક તૂટી પડી હતી.
આ ઘટનાની જાણ થતા જ થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, ભિવંડી પાલિકા, ભિવંડી સરકારી હોસ્પિટલનો સ્ટાફ, તહેસીલદાર, ભિવંડી ગ્રામિણ પોલીસ સહિત તમામ મહત્વની એજન્સીના અધિકારી કર્મચારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાહત અને બચાવ કામગિરી હાથ ધરી હતી. ક્રેન અને જે.સી.બી.ની મદદથી ઇમારતનો કાટમાળ હટાવવાના પ્રયાસો હાથ ધરી બાર જણને કાટમાળ હેઠળથી સુખરૂપ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં નવનાથ સાવંત (ઉ.વ.40) અને લક્ષ્મી રવિ મહાતો (ઉ.વ.26)નાં મૃતદેહ કાઢમાળ હેઠળથી મળી આવ્યા હતા. આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર આ ઇમારતના ત્રીજા માળે ચાર કુટુંબ અને પત્રાશેડમાં ચાર કુટુંબ રહેતા હતા.
ત્રીજા માળે પાંચ માણસો, નીચેના માળે 14 માણસો અને ગ્રાઉન્ડ ફ્લોર પર 15 કામદારોમાંથી 8 કામદાર મળી કુલ 20થી 22 લોકો હજી પણ કાટમાળ હેઠળ ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ થાણે ડિઝાસ્ટર સેલના 20 જવાનો, એન.ડી.આર.એફ.નાં 35 જવાનો, 11 એમ્બ્યુલન્સ, ડોગ સ્કવોડ, તેમજ ક્રેન અને જે.સી.બી. મશીન કામે લગાડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ કેન્દ્રીય રાજ્યમંત્રી, થાણેના જિલ્લાધિકારી, થાણે ગ્રામિણ પોલીસનાં ઉચ્ચાધિકારીઓ અને ભિવંડી પાલિકાનાં અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને કાટમાળ હટાવી નીચે દચાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે.
આ સંદર્ભે નારપોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઇમારત 14 વર્ષ જૂની હતી. ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર એક ફેક્ટરી હતી જ્યારે પહેલા અને બીજા માળે લોકો રહેતા હતા. આ દુર્ઘટના બની ત્યારે અમૂક લોકો કામ પર ગયા હોવાથી ઇમારતમાં હાજર લોકોની સંખ્યા ઓછી હતી. આ દુર્ઘટના બાદ અમૂક સ્થાનિક રહેવાસીઓએ એવો પણ આરોપ કર્યો હતો કે ખોટી પદ્ધતિથી આ ઇમારતનું રિપેરીંગ થયું હોવાથી આ ઇમારત તૂટી પડી હતી. અહીંના રહેવાસીઓએ એન્જિનિયર સહિત મકાન માલિક સામે પણ ગંભીર આરોપ કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500