વડોદરાના વાઘોડિયા પાસે એક્ટિવા સવાર બે વિધાર્થીની અને એક વિદ્યાર્થીને પૂરપાટ જઇ રહેલા ડમ્પરે અડફેટે લીધા હતા, જોકે ત્રણેય વિધાર્થીઓ ડમ્પરના પાછળના ટાયરમાં એક્ટિવા સાથે ફસાઇ ગયા હતા અને આ અકસ્માતમાં એક વિધાર્થીનીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે એક્ટિવા ચાલક સહિત બે વિધાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે આજથી પરીક્ષા શરૂ થતી હોવાથી ત્રણેય સ્ટુડન્ટ પરીક્ષા આપવા માટે સવારે નીકળ્યા હતા. બનાવ અંગે વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
વાઘોડિયા પોલીસ સ્ટેશન માંથી મળેલી માહિતી મુજબ, વલસાડ પવનપુત્ર બંગલોની મૂળ રહેવાસી ઈશા નરેન્દ્રભાઈ રાણા વડોદરાની ખાનગી કોલજમાં એરોનોટિકલ ડિપ્લોમામાં ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને આજે સવારે ઇશા અને તેની સાથે અભ્યાસ કરતો મિત્ર વાજીદઅલી હૈદરઅલી શેખ અને ખુશી અમરીશસિહ વિહોલ આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે કોલેજમાં એક્ટિવા પર જવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન અલવા ગામ તરફથી પુરપાટ આવી રહેલા ડમ્પરે એક્ટિવા સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા જયારે ડમ્પરે અડફેટે લેતાં એક્ટિવા સવાર ત્રણેય ડમ્પરનાં પાછળના વ્હીલમાં બંને વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઇ હતી અને એક્ટિવા ચાલક વિદ્યાર્થીનો પગ પણ વ્હીલમાં ગયો હતો. વધુમાં ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર વચ્ચે બેઠેલી ઈશા રાણાનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વાજિદઅલી અને ખુશીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માત બનતાની સાથે સ્થાનિકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. બીજી બાજુ પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓ પણ વાઘોડિયા ખાતે દોડી આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં વાઘોડિયા પોલીસ પણ સ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મોતને ભેટેલી ઇશા રાણા અને તેની બહેન પાયલ વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે પેઇન ગેસ્ટ તરીકે રહે છે અને બંને એક કોલેજમાં અભ્યાસ કરે છે. આજે પાયલને કોલેજમા રજા હોવાથી તે કોલેજ ગઇ ન હતી. પરંતુ, આજથી ઇશાની પરીક્ષા શરૂ થતી હોવાથી તે તેની સાથે અભ્યાસ કરતા ફ્રેન્ડ સાથે પરીક્ષા આપવા ગઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500