દક્ષિણ આફ્રિકાનાં લિમ્પોપો ટાઉનનાં હુડસ્પ્રીટ શહેરના આર.૪૦ રોડ પર ગતરોજ આફ્રિકાનાં સાંજના સમયે મિનિબસ ટેક્ષી અને પિકઅપવાન સામસામે ધડાકાભેર અથડાતાં બંન્ને વાહનોમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નિકળી હતી. આ ગોઝારા અકસ્માતમાં કુલ ૧૪ લોકો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા જે પૈકી ત્રણ યુવાનો ભરૂચનાં કોઠી ગામના હતા જયારે ભરૂચના અન્ય ત્રણ યુવાનો કુદીને બહાર નીકળી જતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાતા તેઓ જીવન અને મરણ વચ્ચેનો સંઘર્ષ કરી રહ્યા છે.
આ ઘટનાએ ભરૂચ જિલ્લામાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મુળ ભરૂચ જિલ્લાના વતની અને રોજગાર માટે દક્ષિણ આફીકામાં સ્થાઈ થયેલા છ જેટલા યુવાનો ગતરોજ આફ્રિકાના સાંજના ૬ વાગ્યાના અરસામાં હુડસ્પ્રીટ, લિમ્પોપો ટાઉનમાં આવેલી સિરાજ મોહમદ ભાગ્યશાળીની દુકાનમાં ફરજ બજાવી પોતાના ઘરે એકનહુક ટાઉન જવા માટે પિકઅપ વાનમાં નિકળ્યા હતા. દરમ્યાન આર.૪૦ રોડ પર જંગલ અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા પરથી તેમની પિકઅપ વાન પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવતી મિનિબસ ટેક્ષી સાથે તેમની પિકઅપવાન ધડાકાભેર અથડાતાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને બંન્ને વાહનોમાં આગ ફાટી નીકળી હતી.
બંન્ને વાહનોમાં ગોઝારી આગ ફાટી નિકળી હતી ત્યારે બંન્ને વાહનોમાં બેઠેલા લોકો બહાર નીકળે તે પહેલા આગની લપેટોમાં આવી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પિકઅપવાનમાં બેસેલા ભરૂચના કોઠી ગામના મુળવતની શહેઝાદ હાફીઝ ભાગ્યશાળી, સુફીયાન સલીમ ભાગ્યશાળી તથા મુસ્તકીમ મુસ્તાક દેસાઈ જીવ બચાવવા બહાર નિકળી શકે તે પહેલા વાનમાં જ આગની લપેટોમાં આવી જીવતા ભૂંજાઈ ગયા હતા. જયારે કોલવણાના મુબીન ઈસ્માઈલ પટેલ (બાપુ) તથા અન્ય કોઠી અને ભરૂચનો યુવાન વાનમાંથી કુદીને બહાર નિકળી ગયા હતા. જો કે ગંભીર ઈજાઓના કારણે તેમની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500