Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીરમાં ગાંદરબલનાં ગુંડ કંગન વિસ્તાર નજીક રોડ અકસ્માતમાં ત્રણ પર્યટકોનાં મોત

  • March 24, 2025 

જમ્મુ-કાશ્મીરનાં ગાંદરબલ જિલ્લાનાં ગુંડ કંગન વિસ્તાર નજીક એક રોડ અકસ્માતમાં ત્રણ પર્યટકોના મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે, ટોયોટા ઇટિઓસ કાર બસ સાથે અથડાતાં આ ભયાનક અકસ્માત થયો હતો. આ દરમિયાન બસે કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે બસ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 14  લોકો ઘાયલ થયા હતાં. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


દુર્ઘટનામાં ઘાયલ થયેલામાંથી કેટલાક લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી ઘાયલોની ઓળખ થઈ શકી નથી. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, તમામ ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે કારની સ્પીડ વધારે હતી અને વરસાદને કારણે રસ્તો ભીનો હતો, જેના કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.


આ દરમિયાન શનિવારે જમ્મુ -કાશ્મીરના રામબન જિલ્લામાં શાકભાજી લઈ જતું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું, જેમાં બે લોકોના મોત થયા. પોલીસ અધિકારીએ આ માહિતી આપતાં કહ્યું કે, ડ્રાઈવર અર્શીદ અહેમદ અને તેમના સહાયક સેવા સિંહ (લગભગ 30 વર્ષ) શાકભાજી લઈને તેમના ગામ ઉખરલ પોગલ-પરિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બેટરી ચશ્મા નજીક આ દુર્ઘટના થઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોએ સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી અને સો ફૂટથી વધુ ઊંડી ખાઈમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application