Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુદ્ધથી દુનિયામાં જરૂરી સામાનની અછતનું સંકટ સર્જાતા સ્થિતિ બેકાબુ બની

  • November 16, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે G-20 સમિટને સંબોધન કરતાં કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે આપણે રાજદ્વારી માર્ગે કોઈ સમાધાન લાવવું પડશે. દુનિયાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન થયેલો વિનાશ જોયો છે. ત્યારનાં નેતાઓએ તે સંકટમાંથી નીકળવાના ગંભીર પ્રયત્નો કર્યા હતા અને શાંતિના માર્ગે આવ્યા હતા. હવે આપણો વારો છે. સમયની જરૂરિયાત છે કે શાંતિ, સદ્ભાવ અને સુરક્ષા માટે મજબૂતીથી પગલાં લેવામાં આવે.

તેમજ જળવાયુ પરિવર્તન, કોરોના મહામારી, યુક્રેનમાં યુદ્ધ અને વૈશ્વિક નાંણાકીય કટોકટી જેવી સમસ્યાઓએ આખી દુનિયામાં વિનાશ વેર્યો છે. આખી દુનિયામાં જરૂરી સામાનની અછતનું સંકટ સર્જાયું છે. દરેક દેશના ગરીબ નાગરિકો સામે ગંભીર પડકાર ઊભો થયો છે. તેમના માટે દૈનિક જીવન પહેલાથી જ સંઘર્ષમય હતું. તેમાં આ સમસ્યાઓએ વધારો કર્યો છે. તેમની પાસે આ બેવડા મારનો સામનો કરવા માટેની નાણાકીય ક્ષમતા નથી. આપણે એ સ્વીકારવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહીં કે, સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ વિશ્વની આ સમસ્યાઓનું સમાધાન લાવવામાં નિષ્ફળ ગઈ છે.

આપણે બધા યુએનમાં યોગ્ય સુધારો કરવામાં નિષ્ફળ ગયા છીએ. તેથી આજે દુનિયાની નજર G-20 ઉપર છે. તેને આપણી પાસેથી વધુ અપેક્ષા છે. આ સંજોગોમાં આપણા જૂથની સામુહિક પ્રાસંગિક્તા વધી ગઈ છે. વડાપ્રધાને કહ્યું કે, અમને વિશ્વાસ છે કે આગામી વર્ષે આપણે બુદ્ધ અને મહાત્મા ગાંધીની ધરતી પર મળીશું તો દુનિયાને શાંતિનો સંદેશ આપવામાં સફળ થઈશું. યુક્રેન યુદ્ધના કારણે દુનિયામાં હાલ ખાતરની અછતની સમસ્યા ઊભી થઈ છે. આજની ખાતરની સમસ્યા આવતીકાલનું ખાદ્યાન્ન સંકટ સર્જી શકે છે. જો આમ થશે તો દુનિયામાં ભૂખમરાને કોઈ રોકી નહીં શકે. આપણે એવી સમજૂતી કરવી પડશે, જેનાથી ખાદ્યાનની સપ્લાય ચેઈન પર કોઈ વિપરિત અસર ના પડે.

તેમણે ઉમેર્યું કે, આ યુદ્ધના કારણે વિશ્વની સપ્લાય ચેઈન પણ ખોરવાઈ ગઈ છે. આપણે દેશમાં ખાદ્ય સુરક્ષા માટે નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપ્યું છે. આ સિવાય પારંપરિક પાકને પ્રોત્સાહન આપવું જોઈએ. મિલેટ્સ (બાજરી, રાગી જેવા અનાજ) મારફત આ શક્ય હશે અને તેનાથી દુનિયામાં કુપોષણ અને ભૂખમરાનો ઉકેલ લાવી શકાશે.

આ સાથે વડાપ્રધાને દુનિયાને અક્ષય ઊર્જા તરફ વધવાનો સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે, 2030 સુધીમાં અમારી વીજળીની અડધી જરૂરિયાત વૈકલ્પિક ઊર્જાથી પૂરી થશે. તેનાથી ખર્ચ પણ ઘટશે અને અમે સ્થાયી વિકાસ તરફ આગળ વધીશું. અમેરિકન પ્રમુખ જો બાઈડેન, બ્રિટનનાં વડાપ્રધાન રિશિ સુનક સહિત G-20નાં ટોચના નેતાઓની હાજરીમાં વડાપ્રધાને કહ્યું કે, દુનિયાના વિકાસ માટે ભારતની ઊર્જા સુરક્ષા જરૂરી છે. તે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આપણે ઊર્જાના પૂરવઠા પર કોઈપણ પ્રતિબંધો મૂકવા જોઈએ નહીં.

એનર્જી બજારમાં સ્થિરતાને પ્રોત્સાહન આપવું પડશે ભારત સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણમાં વિકાસને ગતિ આપવા માટે કટિબદ્ધ છે. આ બેઠકમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનની ગેરહાજરીમાં વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે તેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દરમિયાન રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના મુદ્દે વિભાજિત થઈ ગઈ છે તે ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાઈ રહેલી G-20 સમિટમાં પણ જોવા મળ્યું આ સમિટમાં ભારત સહિત અમેરિકા, રશિયા, ચીન જેવા મોટા દેશો સામેલ છે. આ સમિટના સમાપન ઘોષણાપત્રમાં રશિયાની ટીકા કરવાની દરખાસ્ત પશ્ચિમી દેશો તરફથી કરાઈ હતી.

પરંતુ ભારત સહિત ચીન, રશિયા, બ્રાઝિલ, સાઉદી અરબ અને યજમાન ઈન્ડોનેશિયાએ પણ તેનો વિરોધ કર્યો હતો. અમેરિકા, યુરોપ સહિત અનેક પશ્ચિમી દેશો તરફથી રશિયાની ટીકા અંગે દરખાસ્ત કરાઈ હતી. હાલ G-20 સમિટના અંતિમ ડેક્લેરેશન અંગે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ ભારત, ચીન, ઈન્ડોનેશિયા જેવા દેશોએ રશિયાનું સમર્થન કરતા તેનો વિરોધ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી યુક્રેન પર યુદ્ધ મુદ્દે રશિયાને સાઉદી અરબ સહિત અનેક મોટા દેશોનું સમર્થન મળી રહ્યું છે. બીજીબાજુ અમેરિકાને હવે માત્ર યુરોપીયન દેશોનું જ સમર્થન છે. તેથી રશિયા વિરુદ્ધ અમેરિકા એકલું પડી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News