ઉત્તરપ્રદેશનાં ઝાંસી જિલ્લાની એક દુ:ખદ ઘટના સામે આવી છે. ઝાંસીના બરુસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી જવાહર નવોદય વિધાલયની 9માં ભણતી અનુષ્કા પટેલે સિનિયર્સ દ્વારા પરેશાન થઈને હોસ્ટેલની સીડીની રેલિંગ પર પોતાના દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર શાળામાં ખળભળાટ મચી ગયો છે. એરુચ શહેરના ભાદરવાડા ગામના રહેવાસી જયસિંહ પટેલની પુત્રી અનુષ્કા પટેલ (14 વર્ષ), બરુસાગરની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી અને ત્યાંની હોસ્ટેલમાં જ રહેતી હતી. થોડા દિવસો પહેલા ધોરણ 12ની કેટલીક વિદ્યાર્થિનીઓ સાથે તેની બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારપછી શનિવારે રાત્રે જયારે તેની સાથી વિધાર્થીનીઓ મેસમાંથી જમીને હોસ્ટેલ પાછી ફરી રહી હતી.
ત્યારે સીડીની ઉપર રેલિંગ પર તેમને એક ટોર્ચ ચાલુ દેખાઈ, જેથી તેઓ ગભરાઈ ગઈ અને પ્રિન્સિપાલ આર.પી.તિવારીને જાણ કરી. જ્યારે ગાર્ડ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા તો અનુષ્કા રેલિંગ પર લટકતી જોવા મળી હતી. આ ઘટનાની પોલીસને જાણ કર્યા બાદ અનુષ્કાને ઝાંસીની મેડિકલ કોલેજ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતક વિદ્યાર્થીની માતા મમતાનો આરોપ છે કે 12મા ધોરણની બે સિનિયર વિદ્યાર્થીનીઓ મારી દીકરીને સતત હેરાન કરી રહી હતી. આ અંગે અનુષ્કાએ શાળા સંચાલકોને ફરિયાદ પણ કરી હતી. પરંતુ સંચાલકો દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.
આ ફરિયાદની જાણ થતા સિનિયર વિદ્યાર્થીનીઓએ મારી દીકરીને વધુ હેરાન કરવાનું ચાલુ કર્યું હતું. મૃતકની માતાએ જણાવ્યું કે, જયારે મેં મારી દીકરી સાથે ફોન પર વાત કરી ત્યારે તે ડરેલી હતી અને કહેતી હતી કે, '12માં ધોરણની બે વિધાર્થીની મને લાંબા સમયથી હેરાન કરે છે. તે મને મેસમાં જમવાનું લેવા મોકલે છે અને જયારે જમવાનું લઇને આવું છું ત્યારે બંને સિનિયર મારી સાથે ખરાબ વર્તન કરે છે અને કહે છે કે અમારા માટે આટલું ઓછું જમવાનું કેમ લાવી?' આથી મૃતકની માતાએ કહ્યું કે, 'અમે તને લેવા આવીએ છીએ' તો દીકરીએ કહ્યું, 'ના, હવે ના આવશો' અને કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો અને થોડા સમય પછી જ માહિતી મળી કે તેણે આપઘાત કરી લીધો છે. એસપી સિટી જ્ઞાનેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે નવોદય વિદ્યાલયમાં એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેની બે સિનિયર વિદ્યાર્થીનીઓ સાથે થોડી બોલાચાલી થઈ ગઈ હતી. આથી મૃતક ચિંતામાં હતી. ફિલ્ડ યુનિટ અને પોલીસ પુરાવા ભેગા કરી રહ્યા છે. આ પછી જ આગોતરી કાર્યવાહી અમલમાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500