દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા ગુજરાત વન વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર ડૉ.રાજીવ ગુપ્તા સાથે ગુજરાતના તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદથી હેલીકોપ્ટર દ્વારા કેવડીયા હેલીપેડ ખાતે આવી પહોંચતા વડોદરાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલીની અગ્રવાલ, નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટ અને જિલ્લા ચુંટણી અધિકારી એચ.કે.વ્યાસ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે અરોરાનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને આવકાર્યા હતાં. આ પ્રવાસમાં અરોરા સાથે નાયબ ચૂંટણી કમિશ્નર ચંદ્રભૂષણ કુમાર, કેન્દ્રીય ચુંટણી આયોગ ખાતેના પીઆઇબીના એડીશનલ ડાયરેક્ટર જનરલ સુશ્રી શેફાલી શરણ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ.મુરલી ક્રિષ્ણા પણ સાથે જોડાયાં હતાં.
દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પ્રસંગે ખૂબ જ આદર અને સન્માન સાથે માથું ટેકવી સરદાર સાહેબની ચરણ વંદના કરી હતી. તે પછી તેમણે પ્રવાસન ધામ કેવડીયાના વિવિધ આકર્ષણોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ કેવડીયા ખાતે આરોગ્યવન, જંગલ સફારી પાર્ક,એકતા નર્સરી, એકતા મોલ વગેરે સ્થળોની પણ મુલાકાત લઇ તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર ડૉ.રાજીવ ગુપ્તાએ આ મુલાકાત દરમિયાન ઉક્ત વિવિધ સ્થળોની વિગતવાર જાણકારીથી તેમને વાકેફ કર્યા હતા.
કેવડીયાની આ મુલાકાત દરમિયાન સુનીલ અરોરાએ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ. મુરલી ક્રિષ્ણા, વડોદરાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલ, નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટ અને જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. વ્યાસ સાથે વસ્તી આધારિત જેન્ડર રેશીયો, ૨૦૨૧ ની ફાઇનલ મતદાર યાદી આધારિત જેન્ડર રેશીયો, એપીક, તા.૧૫ મી જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ મતદાર યાદીમાં કેટલા નામો કમી થયા કે નવા ઉમેરાયા અને તેમાય ખાસ કરીને યુવા મતદારોની વિગતો, સ્વીપ એક્ટીવીટી વગેરે જેવી ચુંટણીલક્ષી બાબતો અંગે વિચાર-વિમર્શ કરી તેની સમીક્ષા પણ કરી હતી. (ભરત શાહ દ્વારા – રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500