દેશમાં ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂકોના મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુરુવારે સર્વાનુમતે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે કહ્યું કે, દેશમાં ચૂંટણીની પવિત્રતા જાળવી રાખવા માટે હવે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની સમિતિની ભલામણના આધારે રાષ્ટ્રપતિએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, CBIનાં વડાની જેમ જ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક થવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આ આદેશ સાથે હવે ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં વિપક્ષનાં નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા મહત્વની બની રહેશે.
સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે, દેશનું લોકતંત્ર બચાવવા ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા જાળવી રાખવી અત્યંત જરૂરી છે, અન્યથા તેના વિનાશક પરિણામ આવશે. ચૂંટણી પ્રક્રિયાનો અવરિત દુરુપયોગ લોકતંત્રની કબર ખોદી શકે છે. લોકતંત્ર લોકોની તાકાત સાથે વણાયેલું છે અને દુનિયાની સૌથી શક્તિશાળી બંદૂક કરતાં પણ મતપત્ર વધુ તાકતવર છે. આ બંધારણીય બેન્ચના અન્ય ન્યાયાધીશોમાં અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, ઋષિકેશ રોય અને સીટી રવિકુમારનો સમાવેશ થાય છે. બેન્ચે ગયા વર્ષે ૨૪ નવેમ્બરે તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો.
ન્યાયાધીશ કે.એમ.જોસેફનાં અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ગુરુવારે એક ચૂકાદામાં કહ્યું કે, વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સમાવતી એક સમિતિ બનાવવામાં આવે. આ સમિતિ એક નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે અને રાષ્ટ્રપતિની મંજૂરી પછી મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક થવી જોઈએ. બંધારણીય બેન્ચે એમ પણ જણાવ્યું કે, સમિતિમાં લોકસભામાં વિપક્ષના નેતા ન હોય તો સૌથી મોટા વિપક્ષના નેતાનો સમિતિમાં સમાવેશ થવો જોઈએ. બેન્ચે જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે સંસદ દ્વારા કાયદો બનાવવામાં ન આવે ત્યાં સુધી આ નિયમનો અમલ ચાલુ રહેશે.
દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) અને ચૂંટણી કમિશનરો (ઈસી)ની નિમણૂકો માટે કોલેજિયમ જેવી વ્યવસ્થા બનાવવાની માગણી કરતી વિવિધ અરજીઓ પર સુનાવણી કરતા પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આ ચૂકાદો આપ્યો હતો. અરજદાર અનુપ બરાંવલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિ શનરોની નિમણૂકમાં પણ કોલેજિયમ જેવી સિસ્ટમની માગ કરી હતી. આ કેસને ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચને મોકલી દેવાયો હતો. હાલમાં બંધારણની કલમ ૩૨૪ હેઠળ કેન્દ્ર સરકારની ભલામણના આધારે રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરે છે.
ન્યાયાધીશ કેએમ જોસેફના ચૂકાદા સાથે સંમત થતાં ન્યાયાધીશ રસ્તોગીએ તેમના તર્કો સાથે અલગથી ચૂકાદો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, ચોક્કસ સમયમાં ચૂંટણી પ્રક્રિયાનો સતત દુરુપયોગ નિશ્ચિતપણે લોકતંત્રની કબર ખોદે છે. લોકતંત્રમાં સત્તા મેળવવાનો અર્થ શુદ્ધ અને બંધારણ અને કાયદા દ્વારા બંધાયેલો હોવો જોઈએ. બેન્ચે જણાવ્યું હતું કે, લોકશાંહી આંતરિક રીતે લોકોની ઈચ્છા સાથે જોડાયેલી છે.
લોકતંત્રમાં બધા જ હિસ્સેદારો તેના મૂળ હેતુઓ સાથે કોઈપણ સમાધાન સાધ્યા વિના કામ કરે તો જ તે સફળ થઈ શકે છે અને લોકતંત્રનું સૌથી મહત્વનું પાસુ ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા છે, જે લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પાડતી હોવી જોઈએ. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નિઃશંકપણે ચૂંટણી પંચ નિષ્પક્ષ અને કાયદાકીય રીતે કામ કરવા બંધાયેલ હોવું જોઈએ તથા તેણે બંધારણની જોગવાઈઓનું પાલન કરવું જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500