ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એશોસીએશનની સામાન્ય સભા અમદાવાદ ખાતે હરેન્દ્રસિંહજી સરવૈયા ભવનમાં મળી હતી. જેમાં ગુજરાત રાજ્ય કારોબારી અને જિલ્લા પ્રમુખો, પ્રતિનિધિઓની મિટિંગમાં સર્વાનુમતે કરવામાં આવેલ નિર્ણયની સમિક્ષા થઈ હતી. જેમાં ગુજરાત ક્વોરી માલિકોના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા એસો. છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર તેમજ વહીવટી તંત્ર સાથે સતત પ્રયત્નશીલ રહ્યું છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ આવ્યો નથી.
આ બાબતે સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા એસો. પ્રમુખ હિતેન્દ્રભાઇ ઉપાધ્યાયે જણાવ્યુ હતુ કે,મુખ્યમંત્રીને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ પરિણામલક્ષી નિર્ણય આવ્યો નથી. જેથી ગુજરાતના તમામ ક્વોરી માલિકો દ્વારા તા.૧-મે-૨૦૨૨ ના રોજથી રાજ્યભરના તમામ ક્વોરી ઉદ્યોગને બંધ કરી ઉત્પાદન તથા નિકાસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
વ્યારાનાં હિતેન્દ્રભાઇ ઉપાધ્યાયે વધુમાં ઉમેર્યુ હતુ કે, ક્વોરી ઉદ્યોગના પ્રશ્નો બાબતે અગાઉ સરકાર સાથે ૧૭ મુદ્દાઓનું લેખિતમાં તા.૧૯મી ડિસેમ્બર ૨૦૧૬નાં રોજ સમાધાન થયુ છે. તેમ છતાં આશ્વાસન સિવાય કઈ મળ્યુ નથી, આ સંદર્ભનું આવેદનપત્ર રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરને એકસાથે ૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ આપ્યુ હતું. જેમાં સરકારને જણાવ્યુ હતું કે તેઓનાં ધંધાને સીધી અસર કરે તેવા પાયારૂપ પ્રશ્નો છે. ધંધાનું અસ્તિત્વ ટકાવી રાખવાની વાત છે તેમ છતાં ક્વોરી એસો.ની રજૂઆતો અને વિનંતીઓ ધ્યાને લેવાતી નથી. જેથી હવે કોઈપણ સંજોગોમાં સ્ટોન ક્વોરીનો ધંધો કરી શકાય તેમ નથી.
જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ કાયદાકીય સ્વરૂપે નહીં આવે ત્યાં સુધી ક્વોરી ઉદ્યોગ બંધ રાખવાનું સર્વાનુમત્તે નક્કી કરાયાનુ ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસો.નાં પ્રમુખ હિતેન્દ્રભાઇ ઉપાધ્યાય (કાળુભાઇ કારપેટ)એ જણાવ્યુ છે. જો ઉકેલ નહીં આવે તો આ ક્વોરીનો ધંધો બંધ રહેતા રાજ્યભરનો વિકાસ થંભી જશે. પ્રજાલક્ષી સરકારી તેમજ ખાનગી કામોમાં તેની સીધી અસર થશે. તેમાં કોઇ શંકાનું સ્થાન નથી બેઠકમાં ૧૦૦૦થી વધુ સભ્ય હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500