સુરતની એસ.ડી. જૈન સ્કુલમાં બસડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં અમૃતભાઈ ઉવા ગામે માતા-પિતા, પત્ની અને બાળકો સાથે રહે છે. અમૃતભાઈ જણાવે છે કે, તા.૧૭ એપ્રિલે શરદી-ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણ જણાતા ગામના ફેમિલી ડોક્ટરને બતાવ્યું, જેમની સારવાર દરમિયાન બ્લડ રિપોર્ટ કરાવતાં ૧૭ ટકા ટાઈફોઈડ હોવાનું જણાયું. બે દિવસ સારવાર લેવા છતાં તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો, અને શ્વાસ લેવામાં તકલીફ થવાથી ૧૯મી એપ્રિલના રોજ પરિવાર દ્વારા સુરતની નવી સિવિલમાં દાખલ થયો. જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો, એ સમયે ઓક્સિજન લેવલ ૬૦ તેમજ ફેફસામાં ૬૦ ટકા સંક્રમણ હતું.
પરંતુ મક્કમ મનથી કોરોના સામે લડવાનું નક્કી કર્યું હતું, અને તબીબોના સાથસહકારથી ૪૭ દિવસની સંઘર્ષમય લડત બાદ આખરે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો છું. અમૃતભાઈ કોરોના સામે જીત મેળવવાનો શ્રેય સિવિલના તબીબોને આપતા જણાવે છે કે, તબીબોએ પોતાના પરિવારના સભ્યની જેમ મારી સારવાર કરી હતી. તેમની નિ:સ્વાર્થ સેવાને કારણે જ આજે હું કોરોનામુક્ત થયો છું. મારી ૨૦ વર્ષની દીકરી ખુશ્બુએ કોરોના સામે લડવામાં ખૂબ જ હિંમત આપી હતી. એક સમયે મેં કોરોના સામે ઘૂંટણ ટેકવી દીધા હતા, મને બચવાની કોઈ ઉમ્મીદ ન હતી. દીકરી મારૂ મનોબળ મજબૂત કરતા કહેતી: ‘પપ્પા, તમે હાર ન માનતા. ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે, મક્કમતાથી લડીને બતાવો કે તમે કેટલા સ્ટ્રોંગ છો.’ મારી દીકરીના આવા હકારાત્મક શબ્દોથી મને પ્રેરણા મળી અને આખરે હું કોરોનાને હરાવવામાં સફળ રહ્યો.
તેમની સારવાર કરનાર ડો.હિરેન રાબડીયા જણાવે છે કે, અમૃતભાઈની તબીબી સારવાર અંતર્ગત ચેસ્ટ ફિઝીયોથેરાપી, રેમડેસિવીર ઈન્જેક્શન તેમજ સ્ટીરોઈડ સહિતની સારવાર અપાઈ હતી. ચૌધરી પરિવારના સકારત્મક વલણને કારણે તેઓ કોરોના પોઝિટીવમાંથી નેગેટિવ થયા છે. સિવિલના ડો.આકાશ પટેલ, ડો.શ્વેતા પટેલ સહિત નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફે જહેમતભરી સારવાર કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500