સુરત શહેર પીસીબીએ મોડીરાતે ગભેણી ચોકડી પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા પોલીસ પુત્ર સહિત ચાર યુવાનને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 50,400/-ની કિંમતની વ્હીસ્કી અને વોડકાની 228 બોટલ સહિત રૂપિયા 3.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નવસારીથી દારુ ભરાવનાર સુરતના નાનપુરાના બુટલેગર નરેન્દ્ર ઉર્ફે અપ્પુ ઉર્ફે રવીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પીસીબીના સૂત્રો પાસેથી મળતી મુજબ, હેડ કોન્સ્ટેબલ સંતોષ પાટીલને મળેલી બાતમીના આધારે પીસીબીએ મોડીરાતે ગભેણી ચોકડી પાસેથી પસાર થતી કાર નંબર જીજે/15/સીડી/2362ને અટકાવી કારની તપાસી લેતા તેમાંથી રૂપિયા 50,400/-ની કિંમતની વ્હીસ્કી અને વોડકાની 228 બોટલ મળી હતી. પીસીબીએ કાર ચલાવી રહેલા પોલીસ પુત્ર કૃપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી(ઉ.વ.24, રહે.બિલ્ડીંગ નં.એફ/96,ક્વાર્ટર નં.112,અઠવા પોલીસ લાઇન, અઠવાલાઇન્સ, સુરત) તથા આકીબ ઉર્ફે અલોન શફીક ખાન, ઝાકીર ઇમરાન ચક્કીવાલા અને ઝૈબ અલી સૈયદ ને ઝડપી લીધા હતા.
પીસીબીએ તેમની પાસેથી દારૂ ઉપરાંત 7 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1290/- તથા રૂપિયા 2.50 લાખની કાર સહિત કુલ રૂપિયા 3,24,190/-નો મુદ્દામાલ જપ્ત કરી નવસારીથી કારમાં દારૂ ભરાવનાર બુટલેગર નરેન્દ્ર ઉર્ફે અપ્પુ ઉર્ફે રવી જયંતીભાઇ કહાર(રહે.સુરત)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. દારૂ ભરેલી કાર ચાલવી રહેલા કૃપાલસિંહના પિતા રાજેન્દ્રસિંહ સોલંકી સુરતના લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500