સુરતના કતારગામ નવી જીઆઈડીસી મહાકાલી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.205માં રહેતો 29 વર્ષીય દિવ્યેશ અશ્વિનભાઇ ઉમરીયા અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે યુવા ઉપનિષદ પબ્લીકેશનમાં નોકરી કરે છે અને વિધવા માતા નયનાબેન સાથે રહેતા દિવ્યેશના માતા બે મહિનાથી દુબઈ ગયા હોય તે હાલ ઘરે એકલો જ છે. નિત્યક્રમ મુજબ તે બપોરે 12 વાગ્યે નોકરીએ ગયો હતો.
પરંતુ સાંજે 7.30 વાગ્યે તેના ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય ઉપરના માળે રહેતા ઉષાબેને અંદર જઈ બેડરૂમમાં જોયું તો તિજોરી ખુલ્લી હતી અને તેની બાજુમાં દરવાજાનું લોક હતું. તિજોરીની અંદરનું લોક પણ તૂટેલું હોય તેમણે તરત દિવ્યેશના મોટા બહેન મધુરુબેનને જાણ કરતા તેમણે દિવ્યેશને ફોન કર્યો હતો.
દિવ્યેશ તરત જ ઘરે પહોંચ્યો હતો અને તપાસ કરતા તિજોરીમાંથી તેની માતાના 20 વર્ષ જુના રૂપિયા 78 હજારની કિંમતના ચાર તોલાના સોનાના હાર અને રૂપિયા 500 મળી કુલ રૂપિયા 78,500/-ની મત્તાની ચોરી થઈ હતી. આ બનાવ અંગે દિવ્યેશે પોલીસને જાણ કરતા દોડી ગયેલી કતારગામ પોલીસે કોઈક જાણકાર શખ્સની સંડોવણીની શક્યતાને આધારે તપાસ શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500