સુરત એસઓજી ના એએસઆઇ અનીલ વિનજીભાઇને મળેલ બાતમીનાં આધારે, સિટીલાઇટ રોડના શાહ વીરચંદ ગોવાનજી જ્વેલર્સ પ્રા.લિ.નો ગન મેન જીતેન્દ્ર શર્મા બોગસ ગન લાયસન્સના આધારે ગન ખરીદી નોકરી કરી રહ્યો છે. જેના આધારે પોલીસે જીતેન્દ્રનું લાયસન્સ અંગે ખાત્રી કરતા ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા લાયસન્સ ઇસ્યુનો કોઇ રેકોર્ડ નહીં હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસ ટીમે સિટીલાઇટ રોડ જાની ફરસાણની ગલીમાં એસએનએસ સ્પાર્કલ બિલ્ડીંગ દુકાન નં. 101/102માં આવેલા શાહ વીરચંદ ગોવાનજી જ્વેલર્સ પ્રા.લિ. ખાતેથી ગન મેન જીતેન્દ્ર બિભુતી શર્માની ડબલ બેરલ 12 બોરની ગન અને 12 નંગ જીવતા કાર્ટીઝ જપ્ત કરી ધરપકડ કરી હતી.
પોલીસે ઓલ ઇન્ડિયા વેલીડ વાળા જીતેન્દ્નના ગન લાયસન્સ અંગે પુછપરછ કરતા વર્ષ 2008માં ઉત્તરપ્રદેશના બલીયા ખાતે એક યુવાન પાસે બોગસ લાયસન્સ બનાવ્યાની અને મોડલ સિક્યુરીટી એજન્સીમાં નોકરી મેળવી હતી. સિક્યુરીટી એજન્સી દ્વારા જીતેન્દ્રને શાહ વીરચંદ જ્વેલર્સ ખાતે ફરજ સોંપવામાં આવી હતી.
જીતેન્દ્રએ લાયસન્સમાં તેના પિતાનું નામ બિભુતી શર્મા હોવા છતા ભુપતિ શર્મા લખાવ્યું હતું. જેથી કોઇને શંકા નહીં જાય અને લાયસન્સ રીન્યુ માટે પોતે જ બલીયા જિલ્લા મેજીસ્ટ્રેટની ડુપ્લીકેટ સહી કરતો હતો. પોલીસે જીતેન્દ્રના ડબલ બેરલ 12 બોર ગન અને જીવતા કાર્ટીઝ મળી કુલ રૂપિયા 10,600/-નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500