સુરત શહેરના રિંગરોડ પર આવેલી પારસ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાનમાં વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે ધુમાડાના ગોટા નીકળવા માંડતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.
આ ઘટના અંગે ફાયરને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર મહેશભાઈ પટેલ ફાયર જવાનો તથા માન દરવાજા, ઘાંચી શેરી, નવસારી બજાર, મજુરા ગેટ અને ડુંભાલ ફાયર સ્ટેશનની 10 ગાડીઓ સાથે ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ફાયર જવાનો સતત પાણીનો છંટકાવ કરતા હતા પણ ધુમાડો વધુ હોવાથી આગ કાબૂમાં આવી ન હતી જેથી ચાર ફાયર જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને પાણીનો છંટકાવ કરવા દુકાનમાં ગયા હતા. જેના લીધે આગ નહીં ફેલાતા દોઢથી બે કલાકે આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવી ગઈ હતી.
જોકે આગ સમયસર કાબૂમાં આવી જતા આજુબાજુની દુકાન બચી ગઇ હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી. પરંતુ આગમાં સાડીનો જથ્થો, ફર્નિચર, વાયરીંગ, તથા બારી-બારણા સહિતની ચીજ-વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500