ગુજરાતનાં વાતાવરણમાં પરીવર્તનનો દોર ચાલી રહ્યો છે. કારણ કે, ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ઠેર-ઠેર વરસાદ પડવાની આગાહી છે. લોકોને મે મહિનામાં થોડા દિવસ કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળે તેવી આશા બની રહી છે. કારણ કે, આજથી ત્રણ દિવસ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમા વરસાદ આવશે. આગામી 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે.
ગુજરાતમાં અહિયાં પડશે :
ગુજરાતમાં આગામી 11મીથી નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેવાની શક્યતાઓ છે. જયારે 12મીથી અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ રહેશે તેમજ 13મીથી સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વિસ્તારોમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
આંધી સાથે વરસાદ આવશે – અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે ત્યારબાદ 20 મે બાદ ફરી ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
દિલ્હીમાં આંધીથી 2ના મોત :
ગુજરાતની સાથે ભારતના અન્ય રાજ્યોનાં હવામાનમાં પણ પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં પણ લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી હતી. શુક્રવારે દિલ્હી એનસીઆરમાં આંધી જોવા મળી હતી અને ત્યારબાદ વરસાદ પડ્યો હતો. વરસાદનાં લીધે લોકોને ગરમીથી રાહત મળી હતી. તો બીજી તરફ આ આંધીના લીધે 2 લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. આંધીના લીધે પડેલા વૃક્ષોની નીચે દબાતા 2 લોકોના મોત થયા હતા અને અલગ અલગ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા હતા.તે સિવાય ઉત્તરના રાજ્યોમાં પણ વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશમાં પણ વિભિન્ન સ્થળોએ વરસાદ પડ્યાની ઘટનાઓ બની હતી. તો આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. તે સિવાય બિહારમાં પણ તાપમાનમાં 4 અંકનું પરિવર્તન જોવા મળ્યું હતું. રાજ્યના હવામાન વિભાગે બિહારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને અમુક સ્થળોએ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
અન્ય રાજ્યોમાં પણ તોફાનની આગાહી :
દેશના અન્ય રાજ્યોમાં પણ વાતાવરણમાં પરિવર્તન નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ શનિવારે હરિયાણા અને રાજસ્થાનમાં પણ ધૂળની આંધીઓ ઉઠવાની સંભાવના વ્યક્ત કરી છે. તો પશ્ચિમ બંગાળના ગંગાઘાટના ભાગોમાં પણ આંધીની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ મધ્ય, પૂર્વ અને દક્ષીણ ભારતીય ઉપખંડમાં 13 મેનાં રોજ વાદળો ઘેરાય, વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે. દક્ષીણ ભારતના રાજ્યોમાં 13 મે સુધી વરસાદ રહેવાની સંભાવના પણ હવામાન વિભાગે કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500