વલસાડનાં કલ્યાણ બાગ સર્કલ પાસેથી 9 દિવસ પહેલા પૂરઝડપે પસાર થઈ રહેલી એસ.ટી. બસનાં ચાલકે બસની આગળ ચાલી રહેલા જાદવ દંપતીની બાઈકને અડફેટે લીધી હતી. જેમાં દંપતી પૈકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડનાં પારડી સાંઢપોર ગામના શ્રીરંગનગર ખાતે રહેતા પ્રકાશભાઈ નટુભાઈ જાદવ તેમની પત્ની રેખાબેન સાથે બાઈક નંબર GJ/15/DQ/4505 ઉપર બેસીને ગત તારીખ 09/06/2024નાં રોજ તિથલ રોડ ખાતે આવેલી તેમની દુકાન પર જવા માટે નીકળ્યા હતા અને દંપતી બાઈક લઈને વલસાડ પાલિકાના પે એન્ડ પાર્ક નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન વલસાડ એસ.ટી. ડેપોમાંથી ધરમપુર જવા માટે નીકળેલી એસ.ટી. બસ નંબર GJ/18/Z/6928નાં ચાલકે બાઈક સવાર દંપતીની બાઈકને પાછળથી એક વાર ટક્કર મારી હતી.
જયારે બસનાં ચાલકે બસ હંકારવાનું ચાલુ જ રાખતા બાઈક સવાર દંપતી બાઈકની સાથે બસના આગળના ટાયરમાં ભેરવાઈ પડયું હતુ. ત્યારબાદ પણ બસનાં ચાલકે બસ હંકારવાનું ચાલુ જ રાખતા, બસના ટાયર નીચે આવી ગયેલ દંપતી બાઈક સાથે આશરે 60 ફૂટ સુધી ઘસડાયા હતા. આ અકસ્માતમાં પ્રકાશભાઈને ગંભીર ઈજા થતા તેમને પ્રથમ સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સોમવારના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500