Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસે જેને ટિકિટ આપી છે તે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો

  • March 20, 2024 

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જાણે ઉમેદવારની ઘટ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી માત્ર 7 ઉમેદવાર જ જાહેર કર્યા છે. ત્યાં જેનું નામ જાહેર કર્યું તે ઉમેદવાર મેદાન છોડીને ભાગ્યા છે. હા અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસે જેને ટિકિટ આપી છે તે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કારણ તો પિતાની બીમારીનું આપ્યું છે. જો કે સત્ય શું છે તેતો એમને જ ખબર પરંતુ ચૂંટણી નહીં લડવાની જાહેરાતથી કોંગ્રેસમાં રાજકારણ ગરમાઈ ગયું છે. કેટલાક દાવેદારો ફરી ટિકિટ માટે લોબિંગ કરવા લાગ્યા છે.


રોહન ગુપ્તા, કોંગ્રેસના આ યુવા ચહેરાએ પાર્ટીએ અમદાવાદ પૂર્વથી લોકસભા લડવાની તક આપી હતી. કોંગ્રેસે જે 7 નામ જાહેર કર્યા તેમાં રોહન ગુપ્તાનું પણ નામ હતું. પરંતુ ટિકિટ જાહેર થયાના થોડા દિવસો બાદ હવે રોહન ગુપ્તા મેદાન છોડીને ભાગતા હોય તેમ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે. જો કે તેઓ કારણ પિતાની બીમારીનું આપી રહ્યા છે.  પિતાની તબિયત ખરાબ હોવાથી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વથી મેદાન છોડ્યું તો કોંગ્રેસની અંદર જ કકડાટ શરૂ થયો છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ રોહન ગુપ્તાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો ઉઠી રહેલા આ સવાલો પર કોંગ્રેસના નેતાઓને જ ગુપ્તાએ જવાબ આપ્યો હતો અને આડકતરા પોતાની જ પાર્ટીના નેતાઓ પર પ્રહાર કર્યા હતા. રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાના નિર્ણય પર ચારેબાજુથી તેમની પર પ્રહાર થયા તો આક્રમક તેવરમાં તેમણે જણાવ્યું કે, મારી વિનમ્રતાને મારી કમજોરી ન સમજવામાં આવે. મને જે પણ જવાબદારી પાર્ટીમાં મળી છે તેને સારી રીતે નિભાવી છે. હાલ મારા પિતાની તબિયત ખરાબ છે તો હું પિતાની સાથે રહેવા માંગુ છું તેથી ચૂંટણીથી દૂર થઈ રહ્યો છું.


ભાજપનો ગઢ કહેવાતી અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાની ગુપ્તાએ ના પાડતા હવે કોંગ્રેસમાં અનેક દાવેદારો મેદાનમાં આવી ગયા છે. આ દાવેદારોને લોકસભાની લડાઈ લડવાના અભરખાં જાગ્યા છે. જેમાં એક તો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ છે, અને બીજા ટીવી ડિબેટનો જાણીતો ચહેરો અમિત નાયક છે. બન્નેએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.  રોહન ગુપ્તાના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટીએ તો તક આપી છે પરંતુ પિતાની તબિયતના કારણે રોહન ગુપ્તાએ જે પણ નિર્ણય લીધો છે તેના પર પાર્ટી આગળ વિચાર કરશે. પક્ષ સાથે બેઠક કરીને નવા ઉમેદવાર પર મંથન કરાશે. અમદાવાદ પૂર્વની બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે.  છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ આ બેઠક પર જીતતું આવ્યું છે. 2009માં હરિન પાઠક, 2014માં પરેશ રાવલ અને 2019માં હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. 2024માં ભાજપે ફરી હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જો રોહન ગુપ્તા ચૂંટણી લડતાં તો આ વખતે તેમનો સામનો હસમુખ પટેલ સામે થતો પરંતુ હવે તેમને જ્યારે ના પાડી દીધી છે તો કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તે જોવું રહ્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application