સુરતના લીંબાયત ક્રાંતીનગરમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકામાં થયેલા ઝઘડામાં રીક્ષા ચાલકની મહોલ્લામાં જ રહેતા યુવાને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.લીંબાયત પોલીસે હત્યારા યુવાનની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લીંબાયત શેલાની ચોક પાસે ક્રાંતીનગર ગલી નં.9 પ્લોટ નં.364 માં રહેતા રીક્ષા ચાલક રહીમ ઉર્ફે લાલા ખલીલ શેખને જુદોજુદો નશો કરવાની આદત હતી.તેની આદત અંગે મહોલ્લામાં રહેતા રીક્ષા ચાલક મહેબુબ ઉર્ફે એસ.કે.અંસારીને પણ જાણ હતી.આથી તેને શંકા હતી કે તે નશો કરે છે તે અંગે મહેબુબ પોલીસને બાતમી આપે છે.તે બાબતે તેમનો ઝઘડો થયો હતો.બાદમાં તેઓ છુટા પડયા હતા.જોકે, મધરાત બાદ રહીમ ઉર્ફે લાલા તેના મિત્રો મોહસીનોદૃીન, નઇમ ઉર્ફે નયા તથા શોહેબ સૈયદ સાથે ગલી નં.5 માં ઉભો રહીને વાતચીત કરતો હતો ત્યારે મહેબુબ તેના ઘર તરફથી ચાલતો ચાલતો આવતા રહીમે તેની તરફ જોયું હતું.
આથી મહેબુબે રહીમ ઉર્ફે લાલા પાસે આવી તુ મેરે સામને ક્યુ દેખ રહા હે, મેરે સાથ તેરા કુછ ઝઘડા બાકી હે ક્યા તેમ કહેતા રહીમ ઉર્ફે લાલાએ તેને તુ મેરી પોલીસ મે બાતમી દેતા હે તેમ કહી છાતીના ભાગે ધક્કો મારતા મહેબુબે કમરના ભાગેથી ચપ્પુ કાઢીને રહીમને શરીરે, નાક પર, ગાલ પર, માથામાં ડાબી બાજુ કાનની નીચેના ભાગે બે ઘા અને જમણા હાથના ખભા પાસે ઘા ઝીંકી દીધા હતા.રહીમને બચાવવા તેનો મિત્ર શોહેબ વચ્ચે પડતા મહેબુબે તેને પણ જમણા હાથની છેલ્લી બે આંગળીના ભાગે ઇજા કરી હતી અને ભાગી ગયો હતો.ગંભીર ઈજાગ્રસ્ત રહીમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતા દોડી ગયેલી લીંબાયત પોલીસે મૃતક રહીમના વૃદ્ધ પિતાની ફરિયાદના આધારે મહેબુબ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બાદમાં તેની ધરપકડ કરી હતી.વધુ તપાસ પીઆઈ એસ.બી.પઢેરીયા કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500