તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જિલ્લા સેવા સદનના સભાખંડમાં ડી.એલ.સી.સી.ની ત્રિમાસિક કામગીરી સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર અને ચેરમેન એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયા, રીજયોનલ બેંક મેનેજર અશ્વિની કુમારની ઉપિસ્થિતમાં યોજાઈ હતી.
બેઠકમાં કલેકટર વઢવાણિયાએ તાપી જિલ્લાની તમામ બેંકોના મેનેજરઓને સંબોધતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં બેંકોની સેવાઓ સરળતાથી પહોંચે અને ગ્રામીણ લોકોને નાણાંકીય મુશ્કેલી ન પડે તેમજ લોકોને નાણાંની લેવડ-દેવડ માટે એટીએમની સુવિધા પણ સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે માટે સુચારૂ પ્રયાસો કરવા જોઈએ. તેમણે ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે સુદ્રઢ બેંકિંગ વ્યવસ્થા માટે કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ખેતીવાડી અને પશુપાલન માટે લોકોને બેંકો તરફથી લોન સહાય દ્વારા મજબૂત સપોર્ટ મળવો જોઈએ તેમ જણાવી ખાસ કરીને સખીમંડળોના વિકાસ માટે લોન સહાય તથા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને ઝડપથી લાભ મળે તે રીતે કામગીરી કરવા તમામ બેંકોના અધિકારીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ગ્રામીણ વિસ્તારના વિકાસમા બેંકોની ભૂમિકા મહત્વની બની રહે છે. ત્યારે અંતરિયાળ અને છેવાડાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને બેંકિંગ સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બને તે ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
નાબાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં બેંકોનો કેશ ડિપોઝીટ રેશિયો હાલ ૪૦ ટકા છે જે નીચે ન જાય તે મુજબ બેંકો દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. લોકો નાણાંકીય રીતે સધ્ધરતા પ્રાપ્ત કરે તે માટે લોકજાગૃતિ કેળવવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. હાલમાં અંદાજીત રૂ.૬ કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં ખેતીવાડી/પશુપાલન ક્ષેત્રે વિકાસના પ્રોજેક્ટને અગ્રીમતા આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
રીજયોનલ મેનેજર અશ્વિનીકુમારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના કામ સરળતાથી થાય તે માટે બેંકની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ઈ/ચા.લીડબેંક મેનેજર બી.આર..ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં બેંક ઓફ બરોડા ૧,૭૬,૧૪૧,બરોડા ગુજરાત ગ્રામીણ બેંક-૧૧,૮૦૬,બેંક ઓફ ઈન્ડિયા-૨,૩૦૨,બેનેરા બેંક-૨,૨૩૩,આઈ.સી.આઈ.સી.આઈ.-૨,પંજાબ નેશનલ બેંક-૪,૩૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા-૬,૮૯૩, અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ- ૧,૨૩૩ લાભાર્થીઓના જનધન ખાતા ખોલવામાં આવ્યા છે.કુલ ૨,૦૨,૫૧૨ લાભાર્થીઓના રૂપે કાર્ડ આપવામાં આવ્યા છે. ૧૦,૧૭૩ લાભાર્થીઓના ઝીરો બેલેન્સથી ખાતા ખોલવામાં આવ્યા છે.
સામાજીક સુરક્ષા યોજના PMJJBY હેઠળ ૨૧,૦૩૩ લાભાર્થી, PMSBY યોજના હેઠળ ૮૫,૬૩૩ અને APY યોજના હેઠળ ૧૦,૬૨૧ લાભાર્થીઓને સુરક્ષીત કરાયા છે. માર્ચ-૨૦૨૧ અંતિત જુદી જુદી ૧૨ બેંકો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ૪૭ અને અર્બન વિસ્તારમાં ૯૨ જેટલા કેમ્પો યોજીને લોકોને જાગૃત કરાયા છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જુદી જુદી બેંકોની ૨૦ જેટલી બ્રાન્ચો દ્વારા માર્ચ-૨૦૨૧ અંતિત ૩૭૬ અરજીઓ પૈકી ૯૯ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.૨૪૬ અરજીઓ પેન્ડીંગ છે. જ્યારે ૩૧ અરજીઓ રદ કરાઇ છે. સ્વસહાય જૂથોને જુદી જુદી બેંકોની ૬૧ બ્રાન્ચો દ્વારા રૂા.૨૨૪૧.૯૫ લાખનું ધિરાણ કરવામાં આવ્યું છે.
તાલુકાવાઈઝ સખી મંડળોને માર્ચ-૨૦૨૧ અંતિત ધિરાણ નિઝર-૧૫૮.૭૫, કુકરમુંડા-૬૯.૦૫, ઉચ્છલ-૧૩૮.૧૦, સોનગઢ-૫૧૧.૮૫, વ્યારા-૨૯૪.૩૨, વાલોડ-૩૧૩.૬, ડોલવણ-૩૧૯.૭ મળીને કુલ- ૧૮૦૪.૭૪ લાખનું ધિરાણ સખીમંડળોને કરવામાં આવ્યું છે.
ડી.એલ.સી.સી.ની ત્રિમાસિક કામગીરી આ સમીક્ષા બેઠકમાં ગ્રામવિકાસ નિયામક જે.જે.નિનામા, તાપી જિલ્લાની તમામ બેંકોના મેનેજરઓ ઉપિસ્થત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500