ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બંને દેશો વચ્ચેના બહુઆયામી સંબંધો અંગે મંત્રણાઓ કરી હતી અને વૈશ્વિક પરિસ્થિતિ વિષે વિચાર વિમર્શ કર્યો હતો. નિરીક્ષકોનું સહજ મંતવ્ય છે કે, દરમિયાન તેઓએ રશિયા-યુક્રેન યુદ્ધના અંત અંગે અને ચીન-તાઇવાન વચ્ચે તીવ્ર બનતી તંગદિલી વિષે પણ ચર્ચા કરી જ હોય. ઉલ્લેખનીય છે કે, મેલોની સત્તાવાર મુલાકાતે આવ્યા હોવાથી તેઓનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સંપુર્ણ રાજકીય સન્માન (સેરીમોનીયલ વેલકમ) આપવામાં આવ્યું હતું. તે પછી રાષ્ટ્રપતિ ભવન પાસે રહેલા હૈદ્રાબાદ હાઉસ ખાતે બંને વડાપ્રધાનોએ મંત્રણા કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે, રાજકીય, વ્યાપારી, અર્થતંત્રીય, સંરક્ષણ, વિજ્ઞાન, ટેક્નોલોજી, ઊર્જા અને આરોગ્ય પ્રશ્નો સહિત વ્યાપક સ્તરે મંત્રણાઓ થઈ હતી. જોકે બાગચીએ રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીન-તાઇવાન તંગદિલી વિષે કોઈ ચર્ચા થઈ હોવાનું જણાવ્યું નથી. પરંતુ વિશ્લેષકો સ્પષ્ટત: કહે છે કે આ પ્રશ્નો જ અત્યારે સૌથી અગ્રીમ હોવાથી તે વિષે ચર્ચા થઈ જ હશે.
જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉક્ત વિષયો ઉપર થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરવા સાથે એટલું તો કહ્યું જ હતું કે, બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક પ્રશ્નો વિષે પણ ચર્ચા થઈ જ હશે. નિરીક્ષકો વધુમાં તેમ પણ જણાવે છે કે કોઈ પણ વિદેશી અતિથિ પરંપરાગત રીતે જ (લોકશાહી દેશમાં) વિપક્ષી નેતાઓને વિશેષત: મુખ્ય વિપક્ષના નેતાને મળે છે તે પરંપરા પ્રમાણે ઇટાલીના વડાપ્રધાન અગ્રીમ વિપક્ષ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને પણ મળશે જ તે સંભવત: નકારી ન જ શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500