ભારતે પાકિસ્તાન પર હુમલાની પુરી તૈયારી કરી લીધી હોવાના અહેવાલો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય સેના આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ સાથે બેઠક યોજી હતી અને તેમને પાકિસ્તાન પર હુમલાની ખુલ્લી છૂટ આપી હતી. હુમલા માટે સ્થળ અને સમયની પસંદગીની જવાબદારી પણ મોદીએ સેનાને સોંપી હોવાના અહેવાલો છે. પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ત્રણેય સેનાના પ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલની સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
એવા અહેવાલો છે કે આ બેઠકમાં આતંકવાદ વિરોધી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. અઢી કલાકની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારને સેના પર પુરો વિશ્વાસ છે. પાકિસ્તાન પર ક્યાં અને ક્યારે હુમલો કરવો છે તે માટે સમય અને સ્થળની પસંદગી વડાપ્રધાન મોદીએ સેના પર છોડી છે. તેથી હવે સેના દ્વારા પાકિસ્તાનના સ્થળો અને ટાર્ગેટ તેમજ સમય નક્કી કરવામાં આવશે જે બાદ હુમલા કરવામાં આવી શકે છે. અહેવાલો મુજબ મોદીએ બેઠકમાં કહ્યું હતું કે, આતંકવાદને આકરો જવાબ આપવો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે.
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદના સફાયા માટે ચાલી રહેલા ઓપરેશન અંગે પણ મોદીએ સેના પ્રમુખ પાસેથી માહિતી મેળવી હતી. આ ઓપરેશનને વધુ આક્રામક બનાવવાની પણ સેનાને ખુલી છૂટ અપાઇ હતી. એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણી પાસે સમય ઓછો છે અને લક્ષ્ય મોટુ છે. જોકે મોદીની આ વાતથી લોકો ઉત્સાહિત થઇ ગયા હતા, બાદમાં મોદીએ કહ્યું હતું કે આ વાત હું વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નથી કરી રહ્યો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500