ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં આવેલી સૂમસામ જગ્યાએથી એક લૂંટારો મોબાઈલ સ્નેચિંગ કરી નાસી છૂટયો હતો. જેને લઇને સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સાપુતારા પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો હતો.
મળતી માહિતી મુજબ, ગિરિમથક સાપુતારા ખાતેથી મોબાઇલ લુંટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૂળ દાહોદ જિલ્લાની અને હાલ સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રહેતી કાજલબેન રંગનાથ કાનવડે (ઉ.વ.૨૩) પાસેથી કોઈ અજાણ્યા શખ્સે સાપુતારા ચિત્રકુટ હોટલથી સ્પોર્ટ કોમ્પલેક્ષ વચ્ચે સુમસામ જગ્યાએ જાહેર રોડ પરથી ૧૫ હજારની કિંમતનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને આ લૂંટારો મોબાઈલ ઝૂટવીને નાસી છૂટયો હતો. બનાવને લઈને સાપુતારા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ત્યારબાદ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.ની ટીમે આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી હતી. જેથી સાપુતારા પોલીસ મથકની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસની મદદથી ગુનો ડીટેકટ કરી મોબાઇલ સ્નેચીંગ કરી મોબાઈલ ઝૂંટવી ભાગી જનાર ઇસમ સુરેશભાઈ ભાસ્કરભાઈ ગાવિત (ઉ.વ.૨૧., રહે.પોહાળી પોસ્ટ.બોરગાવ, તા.સુરગાણા,જિ.નાસિક,મહારાષ્ટ્ર)ની ગણતરીનાં કલાકોમાં જ અટકાયત કરી હતી. તેમજ આરોપી પાસેથી મોબાઈલ રિકવર કરી સાપુતારા પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500