‘બિપોરજોય વાવાઝોડું’ તારાજી સર્જીને પસાર થઈ ગયું છે અને બે દિવસ સુધી બાનમાં રહેલાં કચ્છનાં રહીશોએ હાશકારો અનુભવ્યો છે. કોઈ જાનહાની થઈ ન હોવાથી તંત્રએ પણ રાહત અનુભવી છે. જોકે, વિનાશક વાવાઝોડાના ૧૮ કલાકમાં ૭૧ પશુનાં મૃત્યુ નિપજ્યાં છે અને વ્યાપક આર્થિક નુકસાન થયું છે તેનો અંદાજ મેળવતાં બેથી ત્રણ દિવસ વિતી જશે. સરકારી તંત્રની તૈયારી સાથે જ લોકોએ આપેલા સહકારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં થયેલું નુકસાન ભરપાઈ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જે ગુજરાતનાં ઇતિહાસમાં સૌથી મોટું રિલોકેશન છે.
‘બિપોરજોય’ વાવાઝોડું પવનની ચક્રાકાર મહત્તમ ૧૪૦ કિ.મી.ની વિનાશક ઝડપ સાથે ગુરુવારે સાંજે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છના જખૌ, લખપત પાસે ત્રાટકવાનું શરૂ કર્યા બાદ રાત્રિના આશરે ૧૧ વાગ્યે પૂરું લેન્ડફોલ થયા પછી પણ તેની તીવ્રતા જળવાઈ રહી હતી. રાત્રિના ત્રણ વાગ્યે પણ વાવાઝોડું કલાકનાં ૯૦-૧૦૦ કિ.મી.ની તીવ્રતા સાથે આગળ વધ્યું હતું અને આજે રાત્રિ સુધીમાં તે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિશય તીવ્ર પવન સાથે ભારે વરસાદ વરસાવતું, તારાજી સર્જતું ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઉત્તર ગુજરાત નજીકથી રાજસ્થાનની દિશામાં પસાર થયું હતું. કચ્છમાં ત્રાટક્યા પછી રાત્રે ત્રણ વાગ્યે પણ વાવાઝોડાએ કલાકના ૯૦-૧૦૦ કિ.મી.ની ઝડપ જાળવી રાખી હતી અને ત્યારે તે જખૌથી પસાર થઈ ૪૦ કિ.મી.ઉત્તર-પૂર્વ દિશાએ પહોંચ્યું હતું.
આજે પણ તે સાયક્લોનિક સર્ક્યુલેશનની કેટેગરીમાં હતું અને પવનની ઝડપ ૭૦-૮૦ થી વધીને ૯૦ કિ.મી.ની રહી હતી. પૂર્વાનુમાનથી વિપરિત આજે સાંજે પણ તે વાવાઝાડા તરીકે ભૂજથી ૮૦ કિ.મી.દૂર ગયું હતું. મૌસમ વિભાગનાં રાત્રે જારી બુલેટીન મૂજબ આજે રાત્રિનાં તે ડીપ ડીપ્રેસનમાં ફેરવાશે. ઉલ્લેખનીય છે કે, ડીપ ડીપ્રેસનની અસરો પણ વાવાઝોડા જેવી હોય છે જેમાં માત્ર પવનની ઝડપ ઘટીને ૫૦-૬૦ કિ.મી. (મહત્તમ ૭૦ કિ.મી.) થાય છે. વાવાઝોડુ ત્રાટક્યું ત્યારે તીવ્ર પવન ફૂંકાયો પણ વરસાદનું જોર ઓછુ રહ્યું હતું પરંતુ, આજે આ ઘટાટોપ વાદળો સાથે વિશાળકાય સીસ્ટમ પસાર થતા જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું હતું. રાજકોટમાં બારીબારણા ખખડી ઉઠે તેવા અતિ તીવ્ર પવન ફૂંકાવા સાથે રાત્રિથી વરસાદનું જોર વધ્યું હતું અને બજારોમાં સંચાર બંધીના દ્રશ્યો ખડા થયા હતા.
કચ્છમાં અંજાર અને ભચાઉમાં ૮ ઈંચ, ભૂજમાં ૭ ઈંચ, માંડવી, ગાંધીગ્રામ, મુંદ્રા, રાપર, નખત્રાણામાં ૫થી ૭ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો તો જામનગર, દ્વારકા, ખંભાળિયામાં ૬ ઈંચ, ઉપરાંત સૌરાષ્ટ્રનાં લોધિકા, જોડીયા, વાંકાનેર, કાલાવડ, માળીયા, જામકંડોરણા, ટંકારા,લખપત, મોરબી, ધ્રોલ, કોટડાસાંગાણી, લાલપુર, ઉપલેટા, ધોરાજી, પડધરી, ગોંડલ, કલ્યાણપુર, જેતપુર, સહિત શહેરોમાં ૧થી ૪ ઈંચ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા, હારીજ, સાંતલપુર, પોશિના, વડગામ, અમીરગઢ, સુઈગામ, મહેસાણા, બેચરાજી, વિજાપુર, રાધનપુર, અમદાવાદ, દાંતા સહિતના સ્થળે પણ એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં સાંજની સ્થિતિએ ૨૪,૩૪૦ થાંભલા ધરાશાયી થયા છે અને ૪૫૮૨ ટ્રાન્સફોર્મરોને નુક્શાન પહોંચ્યું છે જેના કારણે ૨૬૦૯ ગામોમાં તથા ૨૪ શહેરોમાં આજે વિજપૂરવઠો ખોરવાઈ ગયો હતો અને રાત્રે અંધારપટ છવાયો હતો.
આશરે ૧૦ હજાર જેટલા વૃક્ષો ધરાશાયી થયાનું અને આશરે ૫૦૦ ગામો અસરગ્રસ્ત થયાનું જાણવા મળે છે. વાવાઝોડાથી સૌરાષ્ટ્ર-કચ્છની ૨૦ લાખની વસ્તીને અસર પહોંચી છે. અસંખ્ય શેડ, છાપરાં ઉડયા છે અને કાચા મકાનોને નુક્શાન થયું છે જેની વિગતો હજુ સર્વે થયા બાદ બહાર આવશે. સૂત્રો અનુસાર સીસ્ટમ વિખેરાઈ ગયા બાદ સર્વે હાથ ધરાશે. વાવાઝોડાનાં સેન્ટર પાસે પવનની વધુ વિનાશક ઝડપ હોય છે. ૨૦૨૧માં તાઉતેની જેમ સીધું સૌરાષ્ટ્ર ઉપર દિવ, ઉનાથી ત્રાટક્યું હતું ત્યારે બિપોરજોય વાવાઝોડુ કચ્છની બોર્ડર પર ત્રાટકતા અને ૧.૧૦ લાખ લોકોનું સ્થળાંતર અગાઉથી કરી દેવાતા તે પ્રચંડ શક્તિશાળી હોવા છતાં જાનમાલને નુક્શાન ઓછુ થયાના અહેવાલો છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરથી પસાર થઈને હવે તે ઉત્તર ગુજરાત પાસેથી પસાર થઈ રહ્યું હોય મૌસમ વિભાગે આવતીકાલે બનાકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની તેમજ મહેસાણા, પાટણ, કચ્છ, તેમજ અમદાવાદ, ગાંધીનગર, અને સૌરાષ્ટ્રના ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં ભારે વરસાદ સાથે ૩૦-૪૦ કિ.મી.ના ઝડપે પવનની ચેતવણી જારી કરાઈ છે. એકંદરે સૌરાષ્ટ્ર,કચ્છ,દિવમાં રવિવારથી વાવાઝોડાની અસરોથી રાહત મળે તેવી આગાહી છે. કચ્છમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન મોસમનો સરેરાશ ૧૮.૨૬ ઈંચ વરસાદ પડતો હોય છે. મોસમનો સરેરાશ કરતાં ૨૫ ટકાથી વધુ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં જ કચ્છમાં વરસી ચૂક્યો છે. કચ્છના ૧૦ તાલુકામાં શુક્રવારે સવારે ૬થી રાત્રે ૮ એમ ૧૪ કલાકમાં કુલ ૫૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં માંડવીમાં સૌથી વધુ ૮.૫૦ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. આજે રાજ્યનાં ૧૮૦ તાલુકામાં વરસાદ પડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉત્તરપ્રદેશનાં બદાયુ જિલ્લામાં ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોનાં મોત
October 31, 2024બગવાડા ટોલનાકા નજીક ટેલર અડફેટે આવતાં બાઈક ચાલકનું મોત
October 31, 2024