વાલોડના બાજીપુરા ખાતે કાર્યરત સુમુલ દાણ ફેક્ટરીમાં કામ કરતો પરપ્રાંતીય મજુર સંજીતભાઈ મંજુરભાઈ પાસવાન (ઉ.વ.૨૫) ઉપર દાણની ગુણ પડી જવાથી તેનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જોકે પરપ્રાંતીય મજૂરોએ અને પરિવારજનોને સહાયની માંગ સાથે સુમુલ દાણ ફેક્ટરી બહાર હલ્લાબોલ કર્યો હતો, જેને લઇ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આવેલ સુમુલ દાણ ફેકટરીમાં છેલ્લા ૪ માસથી સંજીતભાઈ કામ કરતો હતો, જોકે તા.૨જી ઓક્ટોબર નારોજ શિફ્ટમાં રાત્રીના અરસામાં કામ કરતી વેળાએ એકાએક દાણની ગુણો સંજીતભાઈ ઉપર પડતા સવારે કડોદરા સત્યમ હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે ગયા હતા,જોકે ત્યાર બાદ ફેકટરીનાં કેશિયર લાલુભાઈએ તેમના સંજીતભાઈ સાથે ગયેલા વ્યક્તિને દ્વારા કહેવામાં આવ્યું કે, તમે સંજીતભાઈને સુરત સિવિલ ખાતે લઈ જવો જોકે સિવિલ હોસ્પિટલમાં સંજીતભાઈને દાખલ કરતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
જોકે પરિવારજનોને સંજીતભાઈના મોતનું યોગ્ય કારણ પણ જણાવવામાં આવ્યું ન હતું. જેના કારણે પરપ્રાંતીય કામદારો દ્વારા સોમવારે રાત્રે સુમુલ દાણ ફેક્ટરી બહાર હલ્લાબોલ કર્યો હતો, પરીસ્થિત જોઈ સુમુલ દાણ ફેક્ટરીના સંચાલકોએ પોલીસ બોલાવવી પડી હતી. દાણ ફેક્ટરી બહાર પરપ્રાંતીય કામદારોએ મૃતક સંજીતભાઈના પરિવારજનોને રૂપિયા ૧૦ લાખની સહાય અપાવવાની માંગ સાથે તમામ કામદારોએ ફેકટરી બહાર ધારણા પર બેસી ગયા હતા. જોકે રાત્રે ૧૦ વાગ્યા સુધી ફેકટરીના સંચાલકોના પેટના પાણી સુધ્ધા હાલ્યું ન હતું, કામદારોના આગેવાને રૂપિયા ૫૦ હજારના ખર્ચે મૃતક સંજીતભાઈ પાસવાનનો મૃતદેહ તેમના વતન મોકલવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે ફેકટરીના સંચાલકો મૃતક સંજીત પાસવાનના પરિવારજનોને યોગ્ય સહાયની ચુકવે તે ફેકટરી બહાર મજૂરો ધરણા પર બેસી રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500