ઓડિશાના નબરંગપુર જિલ્લામાં મૃતક યુવતીની ઉંમર માત્ર 22 વર્ષની હતી. જોકે આ યુવતીના પિતાએ જણાવ્યું કે, તેની પુત્રી બુધવારે ઘરની બહાર નીકળી હતી. લાંબા સમય સુધી યુવતી ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોને તેની ચિંતા થવા લાગી. ત્યારબાદ પરિવારજનોએ ગ્રામજનો સાથે મળીને આસપાસના વિસ્તારોમાં યુવતીની તલાશ શરૂ કરી. દરેક જગ્યાએ તલાશ કરવા છતાં યુવતીની કોઈ જાણ ન થતા પરિવારે પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ રાયઘરના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) આદિત્ય સેને જણાવ્યું કે, પરિવારના સભ્યોની ફરિયાદના આધારે કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બરંગપુર જિલ્લાના એક જંગલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીને કેટલી દર્દનાક મોત આપવામાં આવી હતી તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, તેના શરીરના નાના-નાના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતદેહના 31 ટૂકડા કરવામાં આવ્યા હતા અને તેને જમીનની અંદર ડાટી દેવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન શરીરના ટૂકડા મળી આવ્યા હતા.
આ મામલે પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી છે જેની સાથે યુવતીનો પ્રેમ સંબંધ હતો અને તેની સાથે તેની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિના પાંચ બાળકો પણ છે. પોલીસને પતિ-પત્ની પર હત્યાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, બુધવારે યુવતી તેના પ્રેમીના ઘરે ગઈ હતી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. જે બાદ પ્રેમીએ તેની પત્ની સાથે મળીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ પોલીસે યુવતીના શરીરના ટૂકડાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરીને હત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાથી યુવતીના પરિવારજનોમાં કોહરામ મચી ગયો છે. બીજી તરફ આ ઘટનાએ ફરી એકવાર શ્રદ્ધા હત્યાકાંડની યાદો તાજી કરી દીધી છે. જેમાં શ્રદ્ધાના પ્રેમીએ તેની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500