બિહાર વિધાનસભામાં શિયાળુ સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે જાતિ આધારિત વસ્તી ગણતરી પછી આર્થિક-સામાજિક સરવેનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ સમયે તેમણે રાજ્યમાં એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. માટે અનામત વધારવાનો સરકારનો આશય છે તેમ કહ્યું હતું. આમ, સરકારી નોકરીઓમાં અનામતનો દાયરો વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ નીતિશ કુમારે રજૂ કર્યો હતો, જેને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ સાથે તેમણે કહ્યું કે, અનામતનો દાયરો વધારવા મુદ્દે આ શિયાળુ સત્રમાં જ ખરડો રજૂ કરાશે. વધુમાં તેમણે રાજ્યમાં ગરીબી દૂર કરવા માટે ગૃહમાં અનેક જાહેરાતો પણ કરી હતી. બિહારમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી જાતિ આધારિત સરવેનો રિપોર્ટ ચર્ચા કરવા માટે ગૃહમાં રજૂ કરતી વખતે નીતિશ કુમારે અનેક જાહેરાતો પણ કરી હતી.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર એસસી અને એસટી માટેનો ક્વોટા વર્તમાન 17 ટકાથી વધારીને 22 ટકા કરશે. એ જ રીતે ઓ.બી.સી. માટે વર્તમાન 50 ટકા અનામત વધારીને 65 ટકા કરાશે. સરવેના રિપોર્ટ મુજબ રાજ્યની કુલ વસતીમાં અતિ પછાત સહિત ઓબીસીની સંખ્યા 63 ટકા છે જ્યારે એસ.સી.-એસ.ટી. સંયુક્તપણે 21 ટકા છે. રાજ્ય સરકારે જાતિ આધારિત વસતી ગણતરીનો પ્રાથમિક સરવે બીજી ઑક્ટોબરે જાહેર કર્યો હતો. આ રિપોર્ટ મુજબ બિહારમાં પ્રત્યેક ત્રીજો પરિવાર ગરીબ છે, જેની માસિક આવક રૂ.6,000થી પણ ઓછી છે જ્યારે 42 ટકા એસ.સી.-એસ.ટી. પરિવારોની આવક પણ એટલી જ છે. આ રિપોર્ટમાં વધુ એક મહત્વની બાબત એ જાણવા મળી કે 50 લાખ બિહારી આજીવિકા અથવા વધુ સારા શિક્ષણ માટે રાજ્યની બહાર રહે છે. અન્ય રાજ્યોમાં નોકરી કરતા લોકોની સંખ્યા 46 લાખ જ્યારે 2.17 લાખ બિહારી વિદેશમાં રહે છે.
અભ્યાસ માટે અન્ય રાજ્યોમાં ગયેલા બિહારીઓની સંખ્યા 5.52 લાખ જ્યારે વિદેશ ગયેલાની સંખ્યા 27,000 છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે રૂ.6,000ની આવકવાળા 94 લાખથી વધુ પરિવારોને સ્વરોજગાર માટે રૂ.2 લાખ આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર 67 હજારથી વધુ ભૂમિહીન પરિવારોને જમીન માટે પ્રતિ પરિવાર રૂ.60 હજારના બદલે રૂ.1 લાખ આપશે. વધુમાં ગરીબી નાબૂદી માટેના ઉપાયોના ભાગરૂપે અન્ય જાહેરાતો પણ કરી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, જીવિકા દીદીઓ હવે શહેરોમાં પણ કામ કરશે. શહેરી ક્ષેત્રોમાં તેમની સંખ્યા દોઢ લાખ હશે. સતત જીવિકાપાર્જન યોજના હેઠળ અપાતી રકમ રૂ.1 લાખથી વધારીને રૂ.2 લાખ કરાશે. તેમણે ઉમેર્યું કે, ન્યાયની સાથે વિકાસ તેમનો સંકલ્પ છે.
તેઓ કોઈપણ ભેદભાવ વિના આ દિશામાં આગળ વધી રહ્યા છે. જાતિ આધારિત વસ્તી ગણતરીના આધારે મુખ્યમંત્રી નીતિશ કુમારે સરકારી નોકરીમાં અનામતનો દાયરો 49 ટકાથી વધારીને 75 ટકા સુધી કરવાની દરખાસ્ત કરી છે. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવ વિધાનસભામાં વિચારરૂપે રજૂ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં જાતિ આધારિત વસતી ગણતરીના રિપોર્ટથી રાજ્યમાં ગરીબી જાહેર થાય છે. કેન્દ્ર સરકાર બિહારને વિશેષ દરજ્જો આપે તો ગરીબી ઝડપથી દૂર થશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સવર્ણ ગરીબો માટે 10 ટકા અનામત યથાવત્ રહેશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં મહિલા અનામત પહેલાથી જ ચાલુ છે.
પછાત વર્ગને મળનારા ત્રણ ટકા અનામત પછાતો માટે પહેલાંથી જ ચાલતા અનામતમાં સમાવી દેવાશે, કારણ કે રાજ્ય સરકાર પહેલાથી જ મહિલાઓને ૩૫ ટકા અનામત આપી રહી છે. તેમણે કહ્યું કે તેમના પ્રસ્તાવ પર અમલ થાય તો સરકારી નોકરીઓમાં કુલ 25 ટકા ખાલીપદ ખુલ્લી સ્પર્ધાથી ભરાઈ શકે છે. તેમણે કહ્યું કે, કેટલીક પંચાયતોમાં શિક્ષણની સ્થિતિ બરાબર નથી. જાતિ આધારિત વસ્તી ગણતરીના રિપોર્ટ પરથી એ પણ જાણવા મળે છે કે કેટલીક પંચાયતોમાં શિક્ષણની સ્થિતિ પણ બરાબર નથી. સરકાર આવી પંચાયતોમાં શિક્ષણ માટે વિશેષ અભિયાન ચલાવશે. મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્યોને આગ્રહ કર્યો હતો કે તેઓ કેન્દ્ર સરકાર સાથે વાત કરે અને આગામી રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરીનો પણ સમાવેશ કરે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500